જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓે સાથે થતા અભદ્ર વ્યવહારના વિરોધમાં યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ મેદાને
- વિદ્યાર્થીઓને માર મારવો, અપશબ્દો અને ધમકી આપવા અંગે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવાયું: નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૯ જૂન ૨૩ જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓે સાથે થતા અભદ્ર વ્યવહારના વિરોધમાં યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ મેદાને આવ્યું છે. વિદ્યાર્થીઓને માર મારવો, અપશબ્દો અને ધમકી આપવા અંગે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવાયું હતું. અને આ અંગે જો કોઇ નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સરકારી પોલીટેકનીકલ કોલેજ ખાતે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ રેલી સ્વરુપે ઘસી આવ્યા હતા અને અગાઉ જાહેર કર્યા મુજબ સરકારી પોલીટેકનીકલ કોલેજના પ્રિન્સીપાલને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આ સમગ્ર બાબત સામે આવી છે કે, વિદ્યાર્થીઓ સાથે કેવો ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે, કલાસમાં અતિ ગંદા પ્રકારના અપશબ્દો બોલવામાં આવે છે, માર મારવામાં આવે છે, ઇન્ટર્નલ માર્કસ નહીં મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે, માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.
યુવા કોંગી દ્વારા પાઠવવામાં આવેલા આ આવેદનમાં એવો પણ રોષ પ્રગટ કરાયો છે કે પોલીટેકનીક કોલેજમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે મેરીટના આધારે એડમીશન મેળવીને આવ્યા છે, કોઇની ભલામણથી કે લાગવાગથી નથી આવ્યા, આવા સંજોગોમાં શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે બાબત ખૂબ જ ગંભીર છે, અમારી પાસે શિક્ષકોના નામ પણ છે, જે વિદ્યાર્થીઓને હેરાન કરે છે, પરંતુ હાલ એવા શિક્ષકોનું મોરલ ડાઉન ન થાય તે માટે નામ આપવામાં આવ્યા નથી, આ સંબંધે તાત્કાલિક અસરથી કમિટી બનાવીને વિદ્યાર્થીઓની ફરિયાદો સંબંધે તપાસ કરવામાં આવે, સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે એવી માંગણી કરાઇ છે, જો નિવારણ નહીં થાય તો યુવા કોંગી અને એનએસયુઆઇ દ્વારા જામનગરની કોલેજ થતાં જીટીયુમાં જઇને ધરણાં અને આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
આ આવેદનપત્ર આપતી વખતે યુવા કોંગી પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, યુવા કોંગી ઉત્તરના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઇના જામનગરના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જામનગરના જિલ્લા પ્રમુખ સનીભાઇ આચાર્ય ઉપરાંત સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.