જામનગર નાં બે યુવકોએ રૂ.૨ લાખ ૪૦ હજાર ખર્ચી ને લગ્ન કર્યા પછી છેતરપિંડી નો શિકાર બન્યા
- લગ્ન કરનાર બંને યુવતીઓ રસ્તામાં હાઇવે હોટલ પર ફ્રેશ થવા માટે ઉતર્યા પછી બન્ને નાસી છૂટી
- છેતરપીંડી નો શિકાર બન્યાનો અહેસાસ થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૯ જાન્યુઆરી ૨૪ જામનગરના બે યુવકોએ મેરેજ બ્યુરો સંચાલિકા સહિતનાની મદદથી રૂપિયા બે લાખ ચાલીસ હજારનો ખર્ચ કરીને લગ્ન કરી યુવતીઓને જામનગર લઇ આવતી વખતે બંને યુવતીઓ રસ્તામાં હાઇવે હોટલ પર ફ્રેશ થવાના બહાને કારમાંથી ઉતર્યા પછી નાસી છૂટતાં બંને યુવકો છેતરપિંડીના શિકાર બન્યા છે.
જામનગરના એક મહિલાને લગ્નવાંચ્છુ એવા બે યુવાનનો સંપર્ક થયા પછી અન્ય મેરેજ બ્યુરોના સંચાલકનો સંપર્ક સાધ્યો હતો. તે પછી કેટલીક ઘટનાઓના અંતે બંને યુવાનના રૂ.૨ લાખ ૪૦ હજારમાં લગ્ન કરાવાયા હતા. લગ્ન કરી અમદાવાદ થી જામનગર આવતી વખતે માર્ગમાં એક હોટલ પાસેથી બંને ‘નવવધૂ’ નાસી જતાં આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વસવાટ કરતા મીનાબેન શાહ નામના મહિલા નો જગદીશ સંઘાણી નામના યુવકે લગ્ન માટે સંપર્ક કર્યાે હતો. આ મહિલા એ લગ્ન કરાવી આપવા માટે વાત કર્યા પછી જગદીશ નો કરજણ ના મેરેજ બ્યુરોવાળા સરોજબેન નો સંપર્ક કરાવ્યો હતો. તે પછી જગદીશ અને દીપક નામના બે વ્યક્તિ એ છોકરી બતાવવા માટે કહ્યું હતું. ત્યાર પછી કેટલીક યુવતીઓના ફોટા બતાવવામાં આવ્યા હતા. જેમાંથી જગદીશ અને દીપકે જે યુવતી ગમી હતી, તેની સાથે મળવાની વાત કરતાં ધરમપુર જવાનું કહેવાયું હતું. આથી દીપક, જગદીશ, જગદીશના કાકા, ભાઈ સહિતના વ્યક્તિઓ મોટરમાં ધરમપુર જવા નીકળ્યા હતા. કરજણના સરોજબેન સંપર્કમાં હતા. તેઓએ અમદાવાદ આવી જવા કહ્યું હતું.
તે પછી ગઈ તા.ર૪ ના દિને અમદાવાદ જઈ ગણેશ મેરેજ બ્યુરોમાં ત્રણ છોકરી જોઈ હતી, તે પસંદ નહીં પડતાં દીપક અને જગદીશે ના પાડી હતી. તે પછી મેરેજ બ્યુરોવાળા ધવલે ફોન કરીને બીજી બે છોકરીને આવી જવા કહ્યું હતું. તે બંને યુવતી ગમતાં દીપક તથા જગદીશે હા પાડી હતી, અને ત્યારે જ રૂ.૩ લાખ આપવાનું કહેવાતાં બંને યુવાને લગ્ન માટે ના પાડી દીધી હતી. તે પછી એક યુવતીના લગ્ન માટે રૂ.૧ લાખ ૨૦ આપવાનું ઠરાવી દીપકે સીમા નામની યુવતી સાથે, અને જગદીશે કૈલાસ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ વેળાએ રૂ.ર લાખ ૪૦ હજાર ચૂકવી અપાયા હતા, અને અમદાવાદ થી જામનગર આવવા આ વ્યક્તિઓ રવાના થયા હતા.
માર્ગમાં સરખેજ પાસે એક હોટલે જમવા માટે મોટર ઉભી રખાતાં સીમા તથા કૈલાસે બાથરૂમ જવાનું બહાનુ કાઢી દોડીને હોટલની બહાર જઈ અગાઉ થી ત્યાં ઉભેલી એક મોટર માં બેસી ગયા હતા, અને તે મોટર રવાના થઈ ગઈ હતી. બંને યુવતીઓ પરત નહીં આવતાં જગદીશ તથા દીપકે હોટલની બહાર જઈ તપાસ કરતા બંને યુવતી મોટરમાં બેસી ચાલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું, અને તે પછી લગ્ન કરાવી આપનાર બ્યુરોવાળા ધવલ નો ફોન પણ સ્વિચ ઓફ થઈ જતાં બંને યુવક ને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં જગદીશે આ અંગે ની ફરિયાદ કરી છે.