જામનગરમાં વ્હોરાના હજીરા માંથી ચોરી કરનાર બે તસ્કરો મોરબીમાંથી ઝડપાયા
-
બંને તસ્કરો પાસેથી રૂપિયા ૧ લાખ ૫ હજારની રોકડ રકમ અને બુલેટ મોટરસાયકલ કબજે કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ સપ્ટેમ્બર ૨૪ જામનગરમાં પ્રસિધ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર દાનપેટી તોડી ચોરી કરનાર બે ઇસમોને મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હતી, તે બંને પાસેથી રૂપિયા એકલખ પાંચ હજારની રોકડ રકમ અને બુલેટ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી દિવસ જામનગરમાં સુભાષબ્રિજ પાસે વ્હોરા સમાજની દરગાહમાં થયેલી રૂા. ૧.૭૫ લાખની ચોરીના બે આરોપીઓ બૂલેટ લઈને મોરબીમાં ચોરી કરવા માટે માળિયા બાજુથી નવલખી ફાટક તરફ આવી રહ્યાં છે.
જે બાતમી મળતાં ટીમે વોચ ગોઠવી હતી અને બૂલેટમાં આવી રહેલા બે આરોપીઓ સિકંદર ઉર્ફે સિકલો સીદીકર પઢીયાર (રહે. રાજકોટ) અને વિવેક બિરેન્દ્રસિંધ ચૌહાણ (રહે. હાલ રાજકોટ, મૂળ યુપી)ને ઝડપી લીધા હતા.
જેમાં આરોપી સિકંદર પાસેથી રોકડ રૂા. ૫૦ હજાર અને આરોપી વિવેક પાસેથી રોકડ રૂા. ૫૫ હજાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયા હતા. જે બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેમાં સિકંદર વિરૂધ્ધ જામનગર અને જેતપુર તાલુકામાં કુલ ત્રણ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તો આરોપી વિવેંક વિરૂધ્ધ ગાંધીગ્રામ, પ્ર.નગર, માલવિયાનગર, એ. ડિવિઝન સહિત રાજકોટમાં ૧૭ જેટલા ગુના નોંધાઈ ચૂક્યાં છે.
દરગાહમાં હાથફેરો કર્યા બાદ રાજકોટના બન્ને શખ્સો મોરબીમાં હાથફેરો કરવા આવતાં પોલીસનાં સકંજામાં સપડાઈ ગયા હતા.
જામનગર ના ગુલાબ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. આર.પી. અસારી બન્ને આરોપીઓ નો કબ્જો લેવા મોરબી પહોંચી જઈ, બંને આરોપીઓનો કબજો સંભાળ્યો છે, અને તેઓ બંને પાસેથી રૂપિયા એક લાખ પાંચ હજારની રોકડ રકમ અને બુલેટ મોટર સાયકલ કબજે કરી લઈ તેઓને જામનગર લઈ આવ્યા છે, અને બંનેને રિમાન્ડની માંગણી સાથે જામનગરમાં અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.