Home Gujarat Jamnagar જામનગરની ‘ત્રિપુટી’ એક કરોડના ડ્રગ્સ સાથે બનાસકાંઠા ચેક પોસ્ટ પર ઝડપાઈ

જામનગરની ‘ત્રિપુટી’ એક કરોડના ડ્રગ્સ સાથે બનાસકાંઠા ચેક પોસ્ટ પર ઝડપાઈ

0

જામનગરના ત્રણ શખ્સો બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક કરોડ ઉપરાંતના ડ્રગ્સ સાથે ઝડપાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૮ એપ્રિલ ૨૪ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતાની અમલવારી કરવા સમગ્ર તંત્ર કમર કસી રહયું છે. તમામ જગ્યાએ દારૂ તેમજ ડ્રગ્સ જેવી પ્રવૃતિઓ પર બાજનજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાજસ્થાનને જાેડતી સરહદ પરથી જામનગરના ત્રણ શખ્સો એક મોટરકાર મારફત ગુજરાતમાં ઘૂસ્યા હતા. જેને બનાસકાંઠા નજીકની ચેક પોસ્ટ પાસે રોકવામાં આવ્યા હતા અને કારની તલાશી લેતાં તેમાંથી એક કરોડ ઉપરાંતની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ ઘણી બધી બાબતો માટે ચર્ચાઓમાં રહેતી હોય છે. આ ચેકપોસ્ટ પરની પોલીસે જાહેર કર્યું છે કે, એક કારમાંથી ૧.૭ર૦ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર જામનગર પાસિંગ ધરાવે છે. રાજસ્થાનથી આવી રહેલી આ કારમાં સવાર ત્રણેય શખ્સો જામનગરના છે. ડ્રગ્સના આ જથ્થાની કિંમત રૂ. ૧.૦૭ કરોડ આંકવામાં આવી છે અને આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. આ શખ્સોએ આ ડ્રગ્સ કયાંથી, કોની પાસેથી લીધું અને ક્યાં લઈ જવામાં આવતું હતું વગેરે વિગતો તપાસમાં ખૂલી શકે.

અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોના નામ ઈસરાક આરિફ બલોચ (૬પ, અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર), સોહેલ ઓસમાણ સંધિ (નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર) અને અસલમ અબ્દુલસતાર દરજાદા ( શિશુવિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર). એવું માનવામાં આવે છે કે, આ શખ્સો અજમેર તરફથી આવી રહ્યા હતાં. આ ક્રેટા કારનો નંબર જીજે૧૦–ડીજે–૩૪૪૮ છે. જેમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું હોય પોલીસે કાર અને ડ્રગ્સ વગેરે મળી કુલ રૂ. ૧,૧૬,૪૯,૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ એનડીપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને ડ્રગ્સનો નાતો ઘનિષ્ઠ અને પુરાનો છે. સમગ્ર હાલાર પંથક ડ્રગ્સ અને દાણચોરી મુદ્દે દાયકાઓથી કુખ્યાત છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version