Home Gujarat Jamnagar પવનચક્કી પાસે ધોળે દિવસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સોએ કરી લુંટ :...

પવનચક્કી પાસે ધોળે દિવસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સોએ કરી લુંટ : ચકચાર

0

પવનચક્કી પાસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સે આચર્યો કરતબ આટલા દાગીના કેમ પહેર્યાં છે? તેમ કહી ધમકાવ્યા પછી આઠેક તોલાના દાગીના લઈ થયા રફુચક્કર.

પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ : સી.સી ટીવી કેમેરામાં આરોપીનું ફૂટેજ કેદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા. ૮ઃ જામનગરના પવનચકકી નજીક આવેલા એમ. જે. પાર્ક  સામે  આજે સવારે એક વૃદ્ધાને ત્રણ શખ્સે ડરાવી ધમકાવી આઠેક તોલાના સોનાના દાગીના ઉતરાવી લઈ પોબારા ભણ્યા હતા. બનાવની જાણ થતાં વૃદ્ધાના પરિવારજનો, પૂર્વ નગરસેવક અને પોલીસકાફલો દોડયા હતા. પોલીસે બનાવના તાણાવાળા મેળવવાનું શરૃ કર્યું છે. કેટલાંક ફૂટેજમાં આરોપીનું ચિત્ર કેદ થયું હોય તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારથી પવનચકકી જવાના માર્ગ પર આવેલા મૂળજી જેઠા પાર્ક નજીક આજે સવારે એક વૃદ્ધાને અચાનક જ પ્રગટ થયેલા ત્રણ શખ્સે ડરાવી ધમકાવી દાગીના ઉતરાવી લીધાં હતાં અને આ શખ્સો પલકવારમાં ગાયબ થઈ ગયા હતા.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા એક મેડીકલ સ્ટોરના સંચાલકના માતા એવા ભાનુશાળી વૃદ્ધા સવારે પોતાના મૂળજી જેઠા પાર્ક સામે આવેલા રહેણાંકેથી શાક લેવા માટે નીકળ્યા હતા. શાક ખરીદ્યા પછી તે વૃદ્ધા ઘેર પરત જતાં હતાં ત્યારે તેઓની શેરી પાસે જ અચાનક ત્રણ શખ્સ આવી પહોંચ્યા હતા. મ્હોં પર માસ્ક ધારણ કરેલા આ શખ્સોએ તે વૃદ્ધાને રોકી આટલા બધાં દાગીના કેમ પહેર્યાં છે? મનાઈ છે તેમ છતાં તમે દાગીના પહેરીને કેમ નીકળ્યા છો? તેમ કહેતાં આ વૃદ્ધા થોડા ગભરાયા હતા. તેથી તેઓના ગભરાટનો લાભ લઈ આ શખ્સોએ દાગીના ઉતારી નાખો અને ચાલો અમારી સાથે તેમ કહેતાં આ વૃદ્ધાએ શાકની થેલી ઘેર મૂકીને આવું છું તેમ કહેતાં આ શખ્સોએ ઘેર જવાની ના પાડી દાગીના ફટાફટ ઉતારી નાખો તેમ કહેતાં આ વૃદ્ધાએ તે શખ્સોના કહેવા મુજબ પોતાના હાથમાંથી અંદાજે છએક તોલાની સોનાની બંગડીઓ અને ગળામાંથી બેએક તોલાનો સોનાનો ચેઈન કાઢયા હતા. તે દાગીના આ રૃમાલમાં રાખી દો તેમ કહી આ શખ્સો પૈકીના એકએ રૃમાલ આગળ ધરતાં હેબતાયેલા વૃદ્ધાએ પોતાના દાગીના તે રૃમાલમાં રાખ્યા હતાં. તે પછી ઉપકાર કરતાં હોય તેમ આ શખ્સોએ જાવ શાકની થેલી ઘેર રાખી આવો તેમ કહેતાં વૃદ્ધાએ પોતાના દાગીના પણ આપી દો તો રાખતી આવું તેમ કહેતાં આ શખ્સોએ જે રૃમાલમાં તે વૃૃદ્ધાના દાગીના રખાવ્યા હતા તેવો જ બીજો રૃમાલ, વીંટેલી હાલતમાં આપી દીધો હતો અને તે વૃદ્ધા પોતાના ઘરે પહોંચ્યા હતાંં.

ત્યાં જઈ આ વૃદ્ધાએ તે રૃમાલ ખોલીને જોતાં તેમાંથી નકલી ધાતુના દાગીના નીકળી પડતાં તેઓના શ્વાસ અધ્ધર ચઢી ગયા હતા. વળતા પગલે તેઓ શેરીના નાકે આવ્યા ત્યાં સુધીમાં ત્રણેય શખ્સો હવામાં ઓગળી ગયા હતા. તેમ છતાં તેઓએ નજર લાંબી કરતાં આ શખ્સોના વર્ણન જેવા જ ત્રણ વ્યક્તિ ખંભાળિયા નાકા તરફ જતાં જોવા મળ્યા હતા. તેથી આ મહિલાએ તુરંત જ પોતાના પરિવાર તથા કૌટુંંબિક સદસ્ય એવા પૂર્વ નગરસેવક મનિષ કનખરાને જાણ કરતાં પોલીસ સાથે તમામ વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા. પોલીસે મામલાની ગંભીરતા પારખી તરત જ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

પરંતુ બપોર સુધી આ શખ્સો ઝડપાયા નથી. પોલીસે અંદાજે આઠેક તોલાના સોનાના દાગીના બઠાવી જનાર શખ્સોના સગડ દબાવવા માટે તે વિસ્તારમાં રહેલાં કેટલાક સીસીટીવીના ફૂટેજ ચકાસવાનું શરૃ કર્યું છે.

જેમાં શંકાસ્પદોની ભાળ મળી હોવાનું માહિતગાર સૂત્રોએ ઉમેર્યું છે. આ શખ્સોએ સંભવિત રીતે એક બાઈકનો પણ ઉપયોગ કર્યો છે. તે તમામ શક્યતાઓ નજરમાં રાખીને પીઆઈ એમ. જે. જલુના વડપણ હેઠળ પોલીસ સ્ટાફ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version