જામનગર જિલ્લાના ધ્રોળ અને જોડીયામાં કથીત પત્રકારોની ટોળકી સામે ખોટી ઓળખ આપી નાણા પડાવી લેવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાવાઇ
જોડીયા તાલુકાના કૂંન્નડ અને હડિયાણા ગામમાંથી બે જેસીબી ચાલકો પાસેથી રૂ. ૧૫,૦૦૦ નો તોડ કરી લીધા ની પોલીસ ફરિયાદ
લૈંયારા ગામના જેસીબી ચાલક પાસેથી ખાણ ખનિજખાતા ના અધિકારીની ખોટી ઓળખ આપી ૧૦,૦૦૦ પડાવી લેવા અંગે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લા માં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા, જે પ્રકારના વધુ ત્રણ ગુન્હા ધ્રોળ અને જોડીયા પોલીસ મથકમાં નોંધાયા છે.ધ્રોલમાં લૈંયારા ગામમાં એક જેસીબી ચાલક પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપી રૂ.૧૦,૦૦૦ પડાવી લીધા નું જાહેર થયું છે, તેમજ જોડિયા તાલુકાના કૂન્નડ અને હડિયાણા ગામમાં બે વ્યક્તિ પાસેથી રૂ.૧૫,૦૦૦ નો તોડ કર્યાનું પણ સામે આવ્યું છે. જે અંગે બે ગુન્હા દાખલ કરાયા છે.ધ્રોળ તાલુકાના લૈંયારા ગામમાં રહેતા અને જેસીબી મશીન ચલાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા એ ધ્રોળ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર એવા પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત વીરુબેન સવજીભાઈ પરમાર, ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા, રાજેશ્રીબેન દીપકભાઈ ચૌહાણ અને જગદીશ હસમુખભાઈ સાંથેલા સામે પોતાની પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારી ના નામે ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક ૧૦,૦૦૦ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત જોડિયા માં દલનોવાસ વિસ્તારમાં રહેતા મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયા એ હડિયાણા ગામમાં તળાવમાં જેસીબી મારફતે માટી કાઢી રહ્યા હતા, જે દરમિયાન કરસનભાઈ પરમાર ઉપરાંત વૈશાલીબેન મનીષભાઈ ધામેચા જ્યોતિબેન હિંમતભાઈ મારકણા અને વીરુબેન સવજીભાઈ પરમાર એક કારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા બાદ તેને વાયરલ કરી યદેવાની ધમકી આપી પોતાની પાસેથી રૂપિયા દસ હજાર પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.ત્યારબાદ જોડિયા તાલુકા ના કુંન્નડ ગામમાં માટી કાઢવાનું કામ કરી રહેલા મંછાભાઈ જીવાભાઇ ધ્રાંગીયા નામના ભરવાડ યુવાને પણ પોતાની પાસેથી પત્રકારના નામે માટીના ખોદકામના વિડીયો ઉતારી, વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા ૫,૦૦૦ પડાવી લેવા અંગે પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.