Home Gujarat Jamnagar જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

0

ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ..

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 2 ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિતે રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય ગુજરાતના જામનગર જીલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ ૪૯ થઇ છે.

વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ ૧૯૬૦ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે.પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.૧૯૭૧માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવેલ છે.

ભારતમાં કુલ ૪૯ રામસર સાઈટ થઈ છે. જેમાં આ શ્રેણીમાં સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું હતું.

પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા આર્દ્ર (ભેજવાળા) સ્થળોને જયાં પ્રવાસી પક્ષીઓનાં સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાઓને ધ્યાને લઈ રામસર સાઈટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઈટને સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૨માં ગુજરાતના નળ સરોવરને પ્રથમ રામસર સાઈટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણા તળાવને પણ રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરતા કુલ હાલ સુધીમાં ગુજરાતની ૪ સાઈટને અને દેશની કુલ ૪૯ સાઈટ્સને રામસર સંરક્ષણ યાદીમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.

રામસર સાઈટ એટલે શું?

રામસર એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કરાર છે. જેના અંતર્ગત જળ સંતૃપ્ત વિસ્તારની જાળવણી અને તેના સંવર્ધન માટે પગલાં લેવાઈ રહ્યાં છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે. જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકો સિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા સસ્ટેનેબલ (ટકાઉક્ષમ) માનવજીવન માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.આ પ્રકારની જમીનો ભોજન, પાણી, ભૂગર્ભ જળ રિચાર્જ, પાણીનું શુદ્ધીકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત પર્યાવરણ સંરક્ષણની વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંશાધનો અને ઇકો સિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે. તાજા મુખ્ય પૂરવઠો સંખ્યાબદ્ધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે એમ માનવામાં આવે છે. જેથી સંતૃપ્ત જમીનોનું સંરક્ષણએ પ્રકૃતિના સંરક્ષણનો મુખ્ય આધાર ગણી શકાય છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version