જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર.
કચરો ફેંકવા ગયેલી મહિલા ઉપર તેના જ બનેવીએ છરી વડે કર્યો જીવલેણ હુમલો
ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઇ જયાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો
આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.
દેશ દેવી ન્યુઝ જામનગર 26. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેણીના જ બનેવીએ કોઇ કારણસર છરી વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજયા બાદ હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હોસ્પિટલ અને સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં કરીમાબેન સકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામના મહિલા આજે સવારે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન તેમના જ બનેવીએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં. ત્યારબાદ ઘવાયેલા મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.