દરેડ પાસે રંગમતી નદીમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલ પુલ બાબતે મ્યુનિ.કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને લીગલ નોટીસ પાઠવતા ખળભળાટ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નિતિન માડમે વકિલ મારફતે મ્યુનિ. કમિશ્ર્નરે અને જીલ્લા કલેકટરને પાઠવી નોટીસ
- જી.પી.એમ.સી. કલમ-487 તથા સી.પી.સી કલમ-80 મુજબની નોટીસ ફટકારાઇ
- પુલનું બાંધકામ તાત્કાલિક અટકાવી, થયેલ પુલના બાંધકામને તોડી પાડી દુર કરવા નોટીસમાં ઉલ્લેખ
- આ પ્રકારનું ગુન્હાહિત કૃત્ય કરનાર વિરૂઘ્ધ તાત્કાલિક કડક પગલા લેવા નોટીસમાં માંગ.: પગલા નહીં લેવાય તો જીલ્લા કલેકટર અને મ્યુનિ. કમિશ્ર્નર સામે કાયદાકીય પગલાં લેવાની પણ ચીમકી
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૨૬ ફેબ્રુઆરી ૨૩ જામનગર-લાલપુર રોડ ઉપર લાલપુર ચોકડી પાસે રંગમતિ નદી ઉપર મંજુરી વગર બની રહેલા ગેરકાયદેસર પુલના બાંધકામ અંગે જામનગરના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નીતિનભાઈ માડમે ધારાશાસ્ત્રી નિખિલભાઈ બુદ્ધભટ્ટી મારફતે જિલ્લા કલક્ટર તથા મ્યુનિ. કમિશનરને કાનૂની નોટીસ પાઠવી છે. આ બાંધકામ તોડી પાડી દૂર કરવા અને દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
જાન્યુઆરી ર૦ર૩ ના અરસામાં તેમના ધ્યાન પર આવેલ છે કે, જામનગરના દરેડ ગામ પાસે જામનગરથી લાલપુર રોડ પરેડ નજીક, ડાબી બાજુએ રંગમતિ નદી પર પાકો સીમેન્ટ-ક્રોક્રીટનો પુલ બનાવવામાં આવી રહેલ છે. ત્યાં સ્થળ પર તપાસ કરતા તથા જોતા આ પુલ સરકાર દ્વારા કે કોર્પોરેશન દ્વારા આવો પુલ બનાવવામાં આવી રહેલ છે તેવું કોઈ બોર્ડ જોવામાં આવેલ નથી. તેમજ ત્યાં કામ કરતા માણસોને પૂછતા એવું જાણવા મળેલ કે, કોઈ પ્રાઈવેટ વ્યક્તિઓ દ્વારા આ પુલ બનાવવામાં આવી રહ્યો છે.
આ નોટીસ મલ્યે ઉપર જણાવેલ પુલનુું બાંધકામ તાત્કાલિક અટકાવશો તથા થયેલ પુલના બાંધકામને તોડી પાડી દૂર કરશો. તેમજ આ પ્રકારનું ગુન્હાહિત કૃત્ય કરનાર વિરૃદ્ધ તાત્કાલિક કડક પગલાં લેશો અન્યથા તમે નોટીસ લેનારાઓ વિરૃદ્ધ ઉપરોક્ત દાદ મુજબનો દાવો લાવી દાદ મેળવવાની ફરજ પડશે. તેમજ અન્ય કાયદાકીય પગલાં લેવાની ફરજ પડશે અને તે દરેક પગલાં લેશે. તથા તેમાંથી નિપજતા તથા ઉપજતા તમામ પ્રકારના ખર્ચ તથા પરિણામની જવાબદારી તમો નોટીસ લેનારાઓના શીરે રહેશે. જેની આપી સ્પષ્ટ નોંધ લેવા નોટીસના અંતે જણાવાયું છે.