જામનગરના દરબારગઢ- બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટેની વહીવટી તંત્ર ની ઝુંબેશ આખરે રંગ લાવી
શહેરના દરબારગઢ થી માંડવી ટાવર સુધીનો વિસ્તાર તેમજ દરબાર ગઢથી શાક માર્કેટ સુધીનો સમગ્ર વિસ્તાર દબાણ મુક્ત જણાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી દરબારગઢ- શાક માર્કેટ- બર્ધન ચોક સહિતના વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને રેકડી- પથારા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જયારે કેટલાક વેપારીઓ દ્વારા પોતાની દુકાન ની બહાર ઓટલા વગેરે ખડકી દેવાયા હતા, તે તમામ પણ દૂર કરી નાખવામાં આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારને ખુલ્લો કરાવ્યો હતો.છેલ્લા ત્રણ દિવસથી જામનગર મહાનગરપાલિકાને એસ્ટેટ શાખાની ટીમ ઉપરોક્ત વિસ્તારમાં ફરતી રહી હતી, અને દબાણ કરનારાઓ સામે કડક હાથે કામ લીધું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૩૦ થી વધુ રેકડી- કેબીનો વગેરે કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે, તેમજ પથારા વાળાઓને પણ સ્પષ્ટ સૂચના આપી દેવાઇ છે. જેના કારણે ઉપરોક્ત વિસ્તાર દબાણ મુક્ત બન્યો છે.છેલ્લા ચાર દિવસની વહીવટી તંત્રની કવાયત આખરે રંગ લાવી છે અને દરબારગઢ થી બર્ધન ચોક અને ત્યાંથી છેક માંડવી ટાવર સુધીનો સમગ્ર રસ્તો ખુલ્લો જોવા મળ્યો હતો, અને આજે ઉપરોક્ત વિસ્તારમાં લોકોને અવરજવર માટેની કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી. સીટી બસ પણ આ વિસ્તારમાંથી આરામથી પસાર થઈ શકી હતી.જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી અને યુવરાજસિંહ ઝાલાની રાહબરી હેઠળ ની ટુકડી બર્ધન ચોક, શાકમાર્કેટ સહિતના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે, અને કોઈપણ પ્રકારના રેકડી પથારાના દબાણ ન સર્જાય તેની તકેદારી રાખી રહ્યા છે, અને આજે સંપૂર્ણ રસ્તા દબાણ મુક્ત થયેલા જોઈ શકાય હતા. જેથી રાહદારીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓએ આખરે રાહતનો શ્વાસ લીધો છે.