જામનગરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ ઉજવવા થનગનાટ: આવતીકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
- પરશુરામ શોભાયાત્રા માં હરિયાણા જૂથ આકર્ષણ જગાવશે
- વિરાટ શિવજી હનુમાનજી 35 ફ્લોટ્સ તેમજ અધોરી નૃત્ય શોભા વધારશે
પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રાહ્મણોના ઈષ્ટદેવ શ્રીપરશુરામજીની સોડસોપ્ચાર પુજા શ્રીમાળી બ્રાહ્મણ સામવૈદી શાખાની વાડી, પંચેશ્વર ટાવર ખાતે સવારે 9.00 વાગ્યે થશે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી થઈ પંચેશ્વર ટાવર પહોંચશે, જયાં પુર્ણાહુતી થશે.
પરશુરામ શોભાયાત્રાનું શનિવારના સાંજે 5.00 કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી નગરના સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાવાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજના તબીબો, એડવોકેટ, પત્રકાર, સીએ. એન્જીનિયર, શિક્ષકો, પ્રધ્યાપકો, યુવાનો, વિધાર્થીઓ વગેરે બહોળી સંખ્યા માં જોડાશે. અને ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરાશે.
સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ત્રિવેદી દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત ઠંડાપાણીનુ વિતરણ કરાશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, ઓદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તથા શરબત વિતરણ કરાશે. અશોક કેટરર્સના અશોક ભટ્ટ દ્રારા ભવ્ય આતશબાજીથી શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. જાયન્ટસ ગ્રુપ દ્વારા ચાંદી બજાર માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત તેમજ ઠંડાપીણાનું વિતરણ કરાશે. દિપક ટોકીઝ નજીક ખીમામામા યુવક મંડળ (ચારણફળી) તેમજ મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત સાથે ધર્મપ્રેમી જનતા માટે સરબત વિતરણ કરાશે. કડીયાવાડ ખાદીભંડાર પાસે સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. બેડીગેટ નજીક લીંબડી બજરવાળા જાનીમહારાજ મિત્રમંડળ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તેમજ સરબત વિતરણ કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સેવાગ્રુપ દ્વારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. વંડાફળી મિત્ર મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનુ સ્વાગત કરી મહાઆરતી કરી મહેમાનોનુ અભિવાદન કરાશે.
પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે કોર્પોરેટ ડિમ્પલબેન જગત રાવલ તેમજ સી.વી. ઠાકર બુક સ્ટોર દ્વારા વેશભુષામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે.વેશભૂષામા ભાગ લેનાર બાળકોને ડો. કુશ દર્શન ઠાકર અને ડો સાગરીકા ઉપાધ્યાય તરફથી ફુડ પેકેટ અને એનર્જી ડ્રિંક આપવામાં આવશે. શ્રીમાળી બ્રહ્મણ જ્ઞાતિની વાડીમાં બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે. પરશુરામ શોભાયાત્રામાં જીલ્લા તેમજ શહેરના સમસ્ત બ્રહ્મસમાજના ભુદેવ મોટી સંખ્યામાં જોડાશે. શહેરના વિવિધ ધટકો અને પેટાજ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાશે. પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ અને ધર્મપ્રેમી જનતાએ જોડાવવા જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ અને શહેર પ્રમુખ આશિષ જોષી દ્વારા અનુરોધ કરાયો છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બનશે.
નગરમાં યોજાતી પરંપરાગત ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં છેલ્લા ધણા વર્ષોથી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે અન્ય ધર્મ,જ્ઞાતિના લોકો પણ સાથે જોડાય છે. શહેરના દિપક ટોકીઝ નજીક શોભાયાત્રાનુ સ્વાગત મુસ્લિમ ભાઈ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે ઈદ અને પરશુરામ જંયતિ સાથે હોવાથી હિન્દુ ભાઈઓ ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવશે. અને મુસ્લિમ ભાઈઓ પરશુરામ શોભાયાત્રામાં સહભાગી બનશે.