જામનગરમાં અંધાશ્રમ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે નવા વર્ષની ઉજવણીમાં બબાલ થયા પછી બે પરિવારો વચ્ચે સામસામેં પથ્થર મારો
આજે સવારે એક પરિવારના જૂથ દ્વારા સામા જૂથના મકાનને આગ ચાંપી દેતાં ભારે દોડધામ પોલીસ તંત્ર દોડતું થયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૪ , જામનગરમાં અંધાશ્રમ આવાસ હનુમાન ચોક શેરી નંબર -૨ માં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો ૩૧ ડિસેમ્બરની અને ન્યુયર પાર્ટીની ઉજવણી કરી રહ્યા હતા, અને ડાન્સ ધમાલ થઈ રહી હતી. જે દરમિયાન તે જ વિસ્તારમાં રહેતા કચ્છી મહેશ્વરી મેઘવાર ના એક પરિવાર ના જૂથ તેમજ ક્ષત્રિય પરિવારના જૂથ વચ્ચે તકરાર થઈ હતી.ગઈ રાત્રિ દરમિયાન બંને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયા બાદ સોડા બાટલી ના ઘા અને પથ્થર ના ઘા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે મોડી રાત્રે મામલો શાંત થયો હતો.દરમિયાન આજે સવારે તેનું ફરીથી રિએક્શન આવ્યું હતું, અને કચ્છી મહેશ્વરી પરિવારના સભ્ય દ્વારા સામા જૂથ ના રણજીતસિંહ જાડેજા નામના વ્યક્તિના મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જે બનાવને લઈને ફરીથી તંગદિલી ફેલાઈ હતી. સૌપ્રથમ રણજીતસિંહ જાડેજા દ્વારા ૧૧ વાગ્યે અને ૫૦ મિનિટે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબાડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.જોકે તે પહેલા આગમાં ટીવી અને ફર્નિચર વાયરિંગ વગેરે બળીને ખાખ થયા હતા, અને મકાનના નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આખરે આ મામલો પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે, અને સામસામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.