‘જાડા’ દ્વારા પ્લોટની હરાજીનો ઠરાવ રદ કરતી રાજ્ય સરકાર
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમે રાજયના શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત કરી હતી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ જૂન ૨૩: જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ટીપીસ્કીમ હેઠળના પ્લોટની હરરાજીમાં ટેન્ડરની શરતોનો તેમજ લેન્ડ ડિસ્પોઝલ પોલીસીની જોગવાઇઓનો ભંગ કરવામાં આવતાં આ હરાજી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા રદ કરવામાં આવી છે. જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ નંબર ૧ અને ૩ ના જુદા-જુદા કોમર્શિયલ રહેણાંક અને શૈક્ષણિક હેતુના પ્લોટની હરાજી કરવામાં આવી હતી.
આ હરાજીમાં બિલ્ડરોને પ્લોટના કબજા સોંપયાની તારીખથી ૬૦ દિવસમાં લ્હેણી રકમ ચૂકવી આપવાની થતી હતી. પરંતુ આ રકમ ભરપાઇ કર્યા વગર જ જાડાએ આ અંગે વેચાણ માટેના ઠરાવ કરી દીધા હતા. આ રીતે લેન્ડ ડીસ્પોઝલ પોલિસી ર૦૦રની જોગવાઇઓનો ભંગ કરવામાં આવ્યો હતો જે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમે રાજયના શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત કરી હતી. અને સંપૂર્ણ પ્રક્રિયા રદ કરવાની માંગણી કરી હતી. આ અંગે કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ તેમજ નિયમોના ઉલ્લઘંનને ધ્યાનમાં રાખી શહેરી વિકાસ વિભાગે આ પ્રકરણમાં ટેન્ડરની શરતોનો ભંગ થયો હોવાનું માની જાડાની પ માર્ચ ર૦રરની બેઠકમાં કરવામાં આવેલ ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો હતો.