ઠગાઇ કરનારે જામનગર સહિત બીજા શહેરોમાં પણ કારસ્તાન આચર્યાના અહેવાલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ માર્ચ ૨૩: જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ કે જેને લઈને ગઈકાલે રાત્રે સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું, અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પોતાને રોકાણના બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલાક સમયથી રફુચક્કર થઈ ગયો છે. જેથી પોલીસે દિનેશ રાઠોડ ને બેસાડીને પૂછપરછ શરૂ કરી છે. નવા નાગના ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ, કે જેઓના જણાવ્યા અનુસાર દિનેશ રાઠોડ મહિલા એજન્ટો મારફતે રોકાણના નામે પૈસા ઉઘરાવતો હતો. તેણે એસ.ટી. ડેપો સામે ઓફિસ ખોલી હતી, અને રોકાણના નામે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું, અને એજન્ટોની નિમણૂક કરી હતી. જેણે જામનગર શહેરના કેટલાક લોકો, ઉપરાંત ખંભાળિયા, રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ રોકાણના નામે પૈસા ઉઘરાવી લીધાનું જાણવા મળી રહ્યું છે.અંદાજે દોઢેક કરોડ રૂપિયા ઉઘરાવીને પોતે લાપતા બની ગયો હતો. દરમિયાન નાગના ગામની સ્થાનિક મહિલાઓએ તેને શોધી કાઢી સીટી બી. ડીવિઝન પોલીસમાં સુપ્રત કરી લીધો હતો. સિટી બી. ડિવિઝનના પી.આઈ. એચ.પી. ઝાલા તેમજ ડી.સ્ટાફ ના પી.એસ.આઇ વાઢેર, તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા દિનેશ રાઠોડની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નું માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે.
પ્રાથમિક તપાસમાં તેની સામે અગાઉ સીટી એ! ડિવિઝન પોલીસમાં ચીટીંગ અંગેની અરજી પણ કરાઈ છે. જે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.