પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી
- વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને મંત્રી રાઘવજીભાઇ પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા
- કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કરનારા આ માછીમારોને બસ મારફત પોતાના વતન મોકલાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ મે ૨૩ પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો છે.
આ બોટની નોંધણી મહત્વની એટલા માટે છે કે, તેના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા તેને સબસિડીયુક્ત ડિઝલ આપવામાં આવે છે. વળી, સાગરખેડૂ પકડાઇ એટલે તેના પરિવારને રાજ્ય સરકાર દ્વારા હમદર્દી દાખવીને રૂ. ૩૦૦ પ્રતિદિન લેખે જીવાઇ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વની ગુજરાત સરકાર દ્વારા આટલી સંવેદનશીલતા રાખવામાં આવે છે.
પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. હવે, આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેનું વેરિફિકેશન કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. બાદમાં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં છૂટેલા આ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમના માટે ખાસ બે ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રેલ્વે સ્ટેશન ખાતે મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, કલેક્ટર અતુલ ગોર, મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા માછીમારોનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાદમાં તેમને નાસ્તો કરાવી ચાર ખાનગી બસો મારફત ગિરસોમનાથ તરફ રવાના કરવામાં આવ્યા હતા.