જામનગર જિલ્લાના ખેડૂતો માટે પરપ્રાંતીય ખેતમજૂરોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા.16 નવેમ્બર ૨૩ જામનગર પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના ખેડૂતો પોતાની ખેતીવાડીમાં કામ માટે પરપ્રાંતીય ખેતમજૂરો/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. આવા પરપ્રાંતીય ખેતમજૂરો જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય ખેતમજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે.જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની જિંદગી-સલામતી જળવાઈ રહે તે જરૂરી જણાય છે. તેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ ખેતી વાડીના માલિક પોતાના ખેતરમાં કામ માટે પરપ્રાંતીય મજૂરો, પરપ્રાંતીય ખેતમજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે અત્રે દર્શાવેલા નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવા ટપાલથી મોકલી આપવાના રહેશે.આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત જાહેરનામું આગામી તા.08/01/2024 સુધી અમલમાં રહેશે.
ખેતી કામ માટે રાખેલા પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી
(1) ખેતી કામ માટે રાખેલ વ્યક્તિનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ.
(2) ખેતી કામ માટે રાખેલ વ્યક્તિનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.
(3) તેની સાથે બીજા માણસો રહેતા હોય તો તેનું નામ-સરનામું.
(4) કોઈના મારફતે આવી વ્યક્તિને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું.
(5) જો ખેતમજુરે અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું.
(6) જે ખેતમજુર જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ-સરનામું.
(7) જે ખેતમજુરના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ-સરનામાં અને મોબાઈલ નંબર.
(8) ખેતમજુરના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા-પિતા અને ભાઈ-બહેનની વિગતો.
(9) જો ખેતમજુર પરિણીત હોય તો તેના પતિ/પત્ની અને સસરાનું સરનામું.
(10) જે વ્યક્તિને કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની.
(11) ખેતી કામ કરતા મજુરનો તાજેતરનો ફોટો-આ તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો ખેડૂતે જમા કરાવવાની રહેશે.