જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા બાઈકના શોરૂમમાંથી રૂપિયા ૨.૩૭ લાખની રોકડ રકમ ની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
-
મોડી રાત્રે ચોરી કરવા આવેલા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી ફૂટેજ મેળવી પોલીસ દ્વારા તસ્કરોની શોધખોળ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ડીસેમ્બર ૨૪ જામનગર માં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂમ તથા સર્વિસ સ્ટેશન માંથી કુલ ૨,૩૭,૪૪૦ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. મોડી રાત્રે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેના ફૂટેજ મેળવીને પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
જે ચોરીના બનાવ અંગે શોરૂમના મેનેજર દીપકભાઈ અનિલભાઈ લખીયરે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.કે. બ્લોચ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરતાં તેમાં રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, આથી પોલીસે તે ફૂટેજ મેળવી લઈ ઉપરોક્ત વર્ણન ના આધારે તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.