જામનગરમાં હર્ષદ મિલની ચાલીમાં રહેતા પ્લમ્બર યુવાન અને તેની પત્ની પર લાકડી ધોકા અને પથ્થર વડે હુમલો કરાયો
પાડોશીઓની જુગારની બાતમી આપતા હોવાની શંકાના આધારે પાંચ શખ્સોએ દંપત્તિ પર હુમલો કરી મોબાઈલ તોડી નાખ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧, ઓક્ટોબર ૨૩ જામનગરમાં હર્ષદમીલ ની ચાલી વિસ્તારમાં રહેતા એક પ્લમ્બર યુવાન અને તેની પત્ની પર પાંચ પાડોશીઓએ લોખંડ ના પાઈપ- ધોકા- લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની તેમજ મોબાઇલ ફોન અને ચાંદી ની માળા તોડી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.ફરિયાદી ગોપાલભાઈ પરમાર અને તેની પત્ની મંજુબેન કે જેઓ પોતાના ઘેર જતા હતા, દરમિયાન આરોપીઓ ગૌતમ દિનેશભાઈ પરમાર, રાજ કિશોરભાઈ પરમાર, યુવરાજ પ્રકાશભાઈ પરમાર, વિમલ દીપકભાઈ પરમાર અને જયરાજ પ્રકાશભાઈ પરમાર વગેરેએ તેઓને રોકીને તમે અમારી જુગારની બાતમી કેમ આપો છો, તેમ કહી માર માર્યો હતો.ઉપરાંત તેઓના બંનેના બે મોબાઈલ ફોન પણ તોડી નાખ્યા હતા, જ્યારે ફરિયાદી ગોપાલભાઈ ની ચાંદીની માળા પણ તોડી નાખી રૂપિયા ૧૫,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું. આથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પાંચેય આરોપીઓ સામે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૪૨૭, ૩૩૭ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫-(૧) મુજબ હુમલા અને ધાકધમકી અંગેની તેમજ તોડફોડ અંગેની ફરિયાદ નોંધાવી છે.