છોટીકાશીના નામને ચરિતાર્થ કરતું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરશે લાલ પરિવાર
- જામનગરના આંગણે બૃહસ્પતિ મહા સોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગનું આયોજન
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૩ જામનગર શહેરના પ્રતિષ્ઠિત રઘુવંશી પરિવાર એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) પરિવારના યજમાનપદે તા. ૨૫ જાન્યુઆરી થી તા. ૩૦ જાન્યુઆરી-૨૦૨૪ દરમીયાન મહાધર્મકાર્ય સફળ રીતે પાર પાડવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. અને તા. ૨૪ જાન્યુ.ના બપોર પછી ભવ્ય કળશ શોભાયાત્રા નીકળશે. દક્ષિણ ભારતના પ્રકાંડ પંડિતોના મુખે શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહા સોમયાગ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગ: ઇન્દોરના સોમયજ્ઞ સમ્રાટ પૂ. ડો. શ્રી ગોકુલોત્સવજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જામનગર પંથકમાં અનેકવિધ સેવાપ્રવૃતિઓ કરતા પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ લાલ પરિવારના યજમાનપદે “છોટીકાશીનું નામ ચરિતાર્થ કરે તેવું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે તા. ૨૪ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ બપોરે ૩.૩૦ કલાકે ભવ્ય કળશ શોભાયાત્રા શ્રી અશોકભાઇ લાલના નિવાસ સ્થાન (“વાત્સલ્ય સ્વસ્તિક સોસાયટી- જામનગર) ખાતેથી પ્રસ્થાન થશે. જે સરૂ સેકશન રોડ, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, સમર્પણ ચોકડી થઇ યજ્ઞ સ્થળે સંપન્ન થશે.
જામનગર-શહેર “છોટીકાશી થી પણ ઓળખાય છે. આ ધાર્મિક નામને સાર્થક કરે તેવું આ પ્રકારનું આ ધર્મકાર્ય સફળ રીતે સંપન્ન થાય તે માટે શ્રી એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના અશોકભાઇ લાલ, જીતુભાઇ લાલ, મિતેષભાઇ લાલ, ક્રિશ્ર્નરાજ લાલ, વિરાજ લાલ વગેરેની સાથે કુટુંબીજનો તેમજ વિશાળ મિત્રવર્તુળ અને શુભેચ્છકો, કાર્યકરો દ્વારા આયોજન માટેની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.