સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ : હવેથી જી.જી. હોસ્પિટલમાં થશે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન
અંદાજીત 6 થી 10 લાખના ખર્ચે થતા ઓપરેશન જી.જી.હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કરાશે: 3 બાળકોના કરાયા સફળતાપૂર્વક ઓપરેશન
દેશ દેવી જામનગર 29. જામનગરની જી.જી હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર તા. 17 ના રોજ 3 બાળકોના કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા, જે માટે ગાંધીનગરથી સ્પેશ્યલ કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટેની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ હતા.
આ સમગ્ર ઓપરેશનની તૈયારી તથા તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઈ.એન.ટી. વિભાગના ડો. દિલાવર બારોટ, ડો. હિતેન મણીયાર, ડો. પૂર્ણિમા, ડો. સંજય ટોટા તથા વિભાગના રેસીડન્ટ ડોકટરો તથા ઓ.ટી. તથા વોર્ડના નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર આપવામાં આવેલ છે.
આ ઉપરાંત બાળકોના ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવા એનેસ્થેસિયા વિભાગના વડા, ડો. વંદના ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડો. જયદેવ દવે, ડો. નીપા નાયક, ડો. હિમાંશુ આમરણીયા અને રેસીડન્ટ ડોક્ટર્સએ આખો દિવસ ખડેપગે ફરજ પર રહી કામ કર્યું હતું.
કોક્લિયર ઈમ્પ્લાન્ટ કોના માટે ઉપયોગી છે?
જન્મથી બાળક તદ્દન બહેરું હોય અથવા તો જન્મ પછી કોઈ કારણસર, જેવા કે કમળો થવો, ખેંચ આવવી, મગજનો ચેપ થવો, મગજને ઈજા થવી, આવા કોઈ કારણથી બાળક સાંભળવાની શક્તિ તદ્દન ગુમાવી દે, તો તેવા તદ્દન બહેરા બાળકો માટે કોક્લિયર ઈમ્પ્લાન્ટ વરદાનરૂપ છે.
જો બાળક નાની ઉમરમાં જ સાંભળવાની શક્તિ ગુમાવી દે, તો તેનો બોલવાનો વિકાસ થઈ શકતો નથી. આથી બાળક બહેરું અને મૂંગું થાય છે. આવા તદ્દન બહેરા અને મૂંગા 6 વર્ષ સુધીના બાળકો માટે આ ઓપરેશન ઉપયોગી છે.
” કોક્લિયર ઈમ્પ્લાન્ટ શું છે? અને કઈ રીતે કામ કરે છે? કોક્લિયર ઈમ્પ્લાન્ટમાં ઈ.એન.ટી. સર્જન દ્વારા જટિલ ઓપરેશન કરી મશીન કાનના પાછળના ભાગમાં તથા અંદરના કોક્લિયર નામના કાનના સંવેદન અંગમાં મુકવામાં આવે છે. આ મશીન ડાયરેક્ટ ઓડિયરી નર્વ એટલે કે સાંભળવાની નસને ધ્વની તરંગો પહોચાડે છે. જેનાથી બાળક સાંભળી શકે છે.
ઓપરેશન પછી બાળકને 1 થી 1.5 વર્ષ સુધી સ્પીચ થેરાપી કરાવવી જરૂરી બને છે આ જટિલ ઓપરેશન કરવાનો સંપૂર્ણ ખર્ચ અંદાજીત 6 થી 10 લાખ સુધીનો હોય છે ઓપરેશન તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપીનો સંપૂર્ણ ખર્ચ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે આમ, આ ઓપરેશન અને ઓપરેશન પછીનો સ્પીચ થેરાપીનો કોઈ ખર્ચ કર્યા વગર હવેથી જી. જી. સરકારી હોસ્પીટલમાં પણ દર્દીઓને વિના મુલ્યે આ સારવારનો લાભ મળશે.