ખંભાળિયા તાલુકાના સામોર ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ સંદર્ભે પોલીસ ફરિયાદ
મામેરામાં જામનગરના મનોજ માલદે લગારીયાએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઇ
દેશ દેવી ન્યુઝ ખંભાળિયા ૧૦. ખંભાળિયા તાલુકાના સામોર ગામે તા. 15 મી નવેમ્બરના રોજ એક લગ્ન-પ્રસંગમાં કરવામાં કરવામાં આવેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ સંદર્ભે પોલીસ મથકમાં જામનગરના રહીશ એવા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ રાજશીભાઈ અરજણભાઈ કરમુરએ હાલ જામનગર ખાતે રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના વિરપર ગામના રહીશ એવા મનોજ માલદે લગારીયા નામના શખ્સ સામે ધોરણસર ફરીયાદ અહીંની પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ, થોડા દિવસ પૂર્વે એક પ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો વિડિયો તેમના ધ્યાને આવતા આ અંગે પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર વડત્રા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ મહિદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા તપાસ કરવામાં આવતા
ગત તા. 15 નવેમ્બરના રોજ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા ખીમાભાઈ નગાભાઈ ચાવડા નામના એક આસામીના પરિવારમાં લગ્ન પ્રસંગે મામેરાની વિધિ દરમિયાન જામનગરના મનોજ માલદે લગારીયા દ્વારા આત્મરક્ષણ અંગેના પરવાનાવાળા હથિયાર (અગ્નિ શસ્ત્ર) માંથી લગ્ન પ્રસંગમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આમ, હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ મૂળ વિરપર ગામના અને હાલ જામનગર રહેતા મનોજ લગારીયા સામે અહીંની પોલીસમાં આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટની કલમ જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા ચલાવી રહ્યા છે.