Home Gujarat Jamnagar NRI ફઈના રૂ. 5.71 કરોડ ચાઉં કરી જતા જામનગરના ભત્રીજા : સમાજમાં...

NRI ફઈના રૂ. 5.71 કરોડ ચાઉં કરી જતા જામનગરના ભત્રીજા : સમાજમાં ચકચાર : જુવો Video

0

જામનગરના જૈન સમાજમાં ભારે ચકચાર જગાવનારો છેતરપિંડી નો કિસ્સો

  • જામનગરના બે ભત્રીજાઓએ યુ.કે.માં રહેતા ફઇબાની બનાવટી સહી કરી બેંક ખાતામાંથી ૫.૭૧ કરોડ ની રકમ ઉપાડી લીધી
  • ફઈબાની બનાવટી સહી કરી બેંક ખાતામાંથી ૫.૭૧ કરોડની રકમ ઉપાડી લઈ કેનેડામાં પૈસા ટ્રાન્સફર કરી લીધા નું ખુલ્યું
  • એન.આર.આઈ.ફઇબા જામનગર આવ્યા પછી ભાંડો ફૂટતાં પોલીસ ફરિયાદ કરાઈ: બંને ભત્રીજાઓની અટકાયત

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૮ જાન્યુઆરી ૨૪, જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા બે વણિક બંધુંઓએ પોતાના એન. આર. આઈ. ફઈબા ના બેન્ક ખાતામાંથી ૫.૭૧ કરોડની રકમ બનાવટી સહીના આધારે ઉપાડી લઈ કેનેડા ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધાનું સામે આવતાં ભારે ચક્કર જાગી છે. એન.આર.આઈ. ફઇબા જામનગર આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના બે ભત્રીજાઓ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેની અટકાયત કરી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ ના ના રહેવાસી, અને હાલ યુ.કે. (યુનાઇટેડ કિંગડમ)માં સ્થાયી થયેલા દિવ્યાબેન વિપુલભાઈ વોરા (૬૭ વર્ષ) કે જેઓએ તાજેતરમાં ભારત (જામનગર) આવ્યા પછી જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના જ બે ભત્રીજાઓ જામનગરમાં ખોડીયાર કોલોની નજીક વૃંદાવન સોસાયટી શેરી નંબર -૨ માં રહેતા કુણાલ વિનોદભાઈ શાહ અને કેયુર વિનોદભાઈ શાહ સામે રૂપિયા ૫,૭૧,૦૨,૩૪૬ ની છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાણાવાયા અનુસાર ફરિયાદી દિવ્યાબેન વોરા કે જેઓએ પોતાના બે ભત્રીજાઓ કુણાલ શાહ અને કેયુર શાહ પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો હતો, અને ૨૦૧૮માં પોતાની રોકડ રકમને ભારતમાં રાખવા માટે અને પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટે બંને ભત્રીજાઓની મદદ લીધી હતી, અને બેંક ખાતુ ખોલાવ્યું હતું.

તે દરમિયાન બંને ભત્રીજાઓએ દિવ્યાબેનના પુત્ર નું નામ રાખવાના બદલે જોઈન્ટ એકાઉન્ટમાં પોતાનું નામ રાખીને જે તે વખતે જ છેતરપિંડી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, ત્યારબાદ દિવ્યાબેન દ્વારા પોતાના ખાતામાં અંદાજે ૧૧ કરોડ જેટલી રકમ ભારતીય બેંકના ખાતામાં જમા કરાવી હતી, જે પૈકી કટકે કટકે પ,૭૧,૦૨,૩૪૬ ની રકમ બંને ભાઈઓએ છેતરપિંડી પૂર્વક બનાવટી સહી કરીને ઉપાડી લીધી હતી.જે રકમને કુણાલ શાહ કે જે કેનેડામાં રહે છે, અને ત્યાં કન્ટ્રક્શન નું કામ કરે છે, જેમાં રોકાણ કરવા માટે ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

તાજેતરમાં દિવ્યાબેન ભારત આવ્યા ત્યારે તેઓના ખાતામાંથી આટલી રકમ ઉપડી ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં મામલો પોલીસમાં લઈ જવાયો હતો. જેથી સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર નિંકુજભાઈ ચાવડાએ દિવ્યાબેન વોરા ની ફરિયાદ ના આધારે તેના બે ભત્રીજાઓ કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંને ભાઈઓની અટકાયત કરી લઈ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જૈન સમાજમાં ભારે ચકચાર જાગી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version