રાજ્યના 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, હવે લગ્ન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે
દેશ દેવી ન્યુઝ જામનગર 17. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા.18 ફેબ્રુઆરી થી તા.25 ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.
આજે કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.