જામનગરની પંચવટી સોસા.માં શિક્ષીકાનો રહસ્યમય આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં ત્રણ શખસના ત્રાસનો ઉલ્લેખ..!
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ મે. ૨૩: જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી નુરજહાંબેન ઈબ્રાહીમભાઈ નામની યુવતીએ તાજેતરમાં પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીવતર ટૂંકાવતા પૂર્વે તેણીએ અંગ્રેજીમાં એક સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઈડ નોટ તેણીના ભાઈ ઇશાકભાઈએ સીટી બી. ડીવીઝન પોલીસને આપી હતી. જેમાં પોતાની બહેનને અફરોજ તૈયબ ચમડિયા, અખ્તર ચમડિયા અને રજાક સાયચા નામના ત્રણ શખ્સો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ત્રણેય શખ્સો જ મૃત્યુ પાછળ જવાબદાર છે એમ તેણીએ સ્પષ્ટ કર્યું છે.
આ ત્રણેય શખ્સો કોઈ પણ કારણ વગર ખોટી રીતે તેણીનું નામ ખરાબ કરતા હતા. આ ખોટી બદનામીથી તેણીના લગ્ન થશે નહી, અને આગળ પણ જીવવા દેશે નહી, એમ વિચારી તેણીએ ત્રણેય શખ્સોના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ ત્રણેય શખ્સો સામે પોલીસે તેણીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે. મૃતક યુવતી કે જે પંચવટી વિસ્તારમાં એકલી રહેતી હતી. તેણીના માતા પિતા અને બહેન કે જેઓ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના ભાઈ સિક્કામાં રહે છે.જેઓએ જામનગર આવીને ઉપરોક્ત શુસાઇડ નોટ અંગેની જાહેરાત કરી હતી.