જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં લૂંટેરી દુલ્હન અંગેનો બીજો કિસ્સો સામે આવ્યો
-
જામનગરના ભંગારના એક વેપારી લૂંટેરી દુલ્હન ની ચૂંગાલ માં ફસાયા પછી રૂપિયા ૧.૬૦ લાખ ગુમાવ્યા
-
જામનગરની બે મહિલા દલાલ સાથે સોદો કર્યા પછી દુલ્હન એક રાત રોકાઈને લગ્નના કરાર કર્યા પછી ફરાર થઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટેરી દુલ્હનનો એક કિસ્સો બન્યા પછી જામનગર શહેર નો પણ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અને ભંગારનો એક વેપારી લુંટેરી દુલ્હન ની ચુંગાલ માં ફસાયો છે, અને એક લાખ સાઈઠ હજારની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે બે દલાલ અને લુટેરી દુલ્હન સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા વિકી ભાઈ પ્રવીણભાઈ નંદા નામના યુવાને પોતાની સાથે કરાર આધારિત લગ્ન રજીસ્ટર કરાવ્યા પછી એક રાત રોકાઈને નાસી છૂટવા અંગે અને પોતાની પાસેથી રૂપિયા એક લાખ સાઈઠ હજાર ની રકમ પડાવી લેવા અંગે મૂળ નાગપુરની આરતી જગેશ્વર કોનેકર તેમજ જામનગર ને બે દલાલ મહિલાઓ સીમાબેન રાજેશકુમાર જોશી અને શીલાબેન મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનને લગ્ન કરવાના હોવાથી ગત તારીખ ૧૪.૧૧.૨૦૨૨ ના દિવસે જામનગરની બે દલાલ મહિલાઓ સીમાબેન જોશી અને શીલાબેન મહેતા ના સંપર્કમાં આવ્યા પછી નાગપુરની આરતી કોનેકર સાથે મેરેજ કર્યા હતા, અને તેની લગ્નની નોંધણી જામનગર મહાનગર પાલિકામાં કરાવી હતી. જે લગ્ન કરાવવા માટે તેણે ૧.૬૦ લાખ ની રકમ ચૂકવી હતી.
જેમાં બંને દલાલ મહિલાઓને વિસ વિસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા, જયારે ૧.૨૦ લાખની રકમ આરતીએ પોતાની પાસે રાખી હતી. તે લગ્નની પ્રથમ રાત્રે જામનગર રોકાયા બાદ બીજે દિવસે રફુચક્કર થઈ ગઈ હતી. જેથી તેની શોધ ખોળ કરી હતી, ઉપરાંત બન્ને દલાલ મહિલાઓની સાથે પણ વાતચીત કરી હતીઝ અને પોતાના પૈસા પરત આપવાની માંગણી કરી હતી.
આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોતાના પૈસા પરત મળ્યા ન હતા, અથવા તો લુટેરી દુલ્હન પણ મળી ન હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને લૂંટેરી દુલ્હન આરતી તેમજ બે દલાલ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ આર પરમારે બે દલાલ મહિલાઓ સીમાબેન તથા શીલાબેન ની અટકાયત કરી છે, જ્યારે આરતી કોનેકરની શોધખોળ હાથ ધરી છે.