જામનગરની ભાગોળે મોરકંડા ગામમાં ખેતરમાં દીપડો દેખાતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
- માનવ વસ્તી થી માત્ર ૫૦ મીટર દૂર દીપડાની અવરજવરને લઈને ફોરેસ્ટ વિભાગ દોડતું થયું: પાંજરું ગોઠવવા કાર્યવાહી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨૪, જામનગર નજીક મોરકંડા ગામમાં ગઈકાલે સાંજે ૫.૩૦ વાગ્યા ના અરસામાં એક ખેડૂતના ખેતરમાં દીપડો નજરે પડતાં ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મોરકંડા ગામના ખેતરમાં માનવ વસ્તીથી માત્ર ૫૦ મીટર દૂર દિપડો દેખાયો હતો, અને એક સ્થળે લગાવાયેલા સીસીટીવી કેમેરામાં દીપડો આંટાફેરા કરતાં સ્પષ્ટ દેખાયો હતો, જે અંગેની જાણકારી મળતાં આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.
સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં ફોરેસ્ટ શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને સીસીટીવીના ફૂટેજ નિહાળ્યા પછી આસપાસના વિસ્તારમાં વોચ શરૂ કરી દીધી છે. અને દીપડાને પકડી લેવા માટે પાંજરું ગોઠવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.