લતિપરમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી: મૃતકનો મિત્ર એવા પરપ્રાંતિયની ધરપકડ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જીલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામ માં રહેતા ધનજીભાઈ ઉર્ફે ધકલો દામજીભાઈ જોગલ નામના 42 વર્ષના યુવાનનો મૃતદેહ ગત ત્રણ તારીખના વહેલી સવારે લતીપર ગામ ની સીમ વિસ્તારમાંથી લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો.
જેથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં માથાના ભાગે બોથડ પદાર્થના છ જેટલા ઘા વાગવાથી મૃત્યુ નીપજયું હોવાનું તારણ કાઢ્યું હતું, અને મૃતકના ભાઇની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, અને ધ્રોલ પોલીસ ઉપરાંત જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ, એસઓજી સહિતની પોલીસ તપાસમાં જોડાઈ હતી.
જે બનાવના ચાર દિવસ પછી હત્યાનો ભેદ ઉકેલવામાં જામનગરની ગુના શોધક શાખા ને સફળતા સાંપડી છે, અને મૃતકના મિત્ર એવા મૂળ મધ્ય પ્રદેશના વતની સુરેન્દ્રસિંગ ઉર્ફે બંટી ગજાભાઈ મોહનીયા ની અટકાયત કરી લીધી છે. જેણે આ હત્યા નીપજાવી હોવાની કબુલાત આપી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન બનાવ વખતે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, અને તેમાં પોતે ઉશ્કેરાટમાં આવી ગયો હતો, અને એક ધોકો લઇ આવી મૃતક ના માથામાં આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેની હત્યા નીપજાવી હતી.
પોલીસે આરોપી સુરેન્દ્રસિંગ ની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટિમની તપાસના મૃતકના મિત્રો ને શોધવાની કાર્યવાહી ચાલી રહી હતી, તે દરમિયાન સુરેન્દ્રસિંગ કે જે થોડા સમયથી તેની સાથે ફરતો હતો, પરંતુ બનાવ પછી એકાએક લાપતા બની ગયો હોવાથી તેને શોધી કાઢી પૂછપરછ કરતાં હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો હતો.