Home Gujarat Jamnagar જામનગર : કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

જામનગર : કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

0

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

  • જિલ્લા કલેકટર બી.એ.શાહ દ્વારા દત્તક વિધાન થકી અઢી વર્ષીય બાળકીને અમેરિકન દંપતીને સોંપાઈ
  • વિવિધ સરકારી વિભાગોના યોગ્ય સહયોગ અને સંકલનને કારણે આજે અમારો પરિવાર સંપૂર્ણ બન્યો-શૈલી વોઈટ (બાળકીને દતક લેનાર માતા)
  • આજે ઘણા બાળકોને પરિવારની જરૂરિયાત છે દત્તકવિધાનથી આવા બાળકને સુવર્ણ ભવિષ્ય અને દંપત્તિને સંતાન સુખ મળે છે-સ્ટીવન વોઈટ

દેશ દેવી ન્યુઝ તા.૧૧ ઓગસ્ટ ૨૩ જામનગર અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવેલ. જામનગર પોલીસે રાત-દિવસ એક કરી આ બાળકીના માતા પિતાની શોધ આદરી અને બાળકીના માતા-પિતા મળી આવ્યા ત્યારે તેઓએ બાળકીમાં શારીરિક ખોટ અને અન્ય સામાજિક કારણોસર તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો.જેથી પોલીસે બાળ કલ્યાણ સમિતિ જામનગરનો સંપર્ક કરતાં સમિતિના ચેરમેને કસ્તુરબા  વિકાસ ગૃહ ખાતે આ બાળકીને આશ્રય આપવાની વ્યવસ્થા કરી.બાળકીની શારીરિક ખોટ દૂર કરવા તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી અપાઈ જ્યાં જી..જી. હોસ્પિટલના તબીબોએ અંગત કાળજી લઈ આ બાળકીને પુન:સ્વસ્થ કરવાની સાથે નવજીવન આપ્યું.

ત્યારબાદ CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહના આદેશ બાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકીને કલેક્ટરશ્રીના હસ્તે દતક વિધાન થકી તેના વાલીને સોંપવામાં આવી. દતકવિધાન વેળાએ બાળકીને દત્તક લેનાર માતા શૈલી વોઈટે હર્ષ સાથે જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો.જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અંગત રીતે અમારી ખૂબ મદદ કરી.તેમના આ સહકારને કારણે મારા દીકરાને એક બહેન અને અમને આજે એક દીકરી મળી છે અને જેના કારણે અમારો પરિવાર પરિપૂર્ણ થયો છે.અમારા જીવનમાં ખુશીઓ લાવનાર આ બાળકીનું અમે જીવની જેમ જતન કરીશું.પિતા સ્ટીવન વોઈટ જણાવે છે કે આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે જેઓ સંતતિ સુખથી વંચિત છે.ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે.તેમ જણાવી બાળકીને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, જિલ્લા પોલીસ, બાલ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

દત્તક વિધાન વેળાએ અધિક કલેક્ટર  બી.એન.ખેર, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હર્ષિદાબેન પંડ્યા તથા સમિતિના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર તથા કર્મચારીઓ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક  સ્વિટીબેન જાની, ખાસ દત્તક સંસ્થાના  ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- વિરેન્દ્રસિંહ પરમાર

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version