કાલાવડ ના રણુજા નજીક ના રોડ પરથી એલસીબી ની ટુકડીએ કુખ્યાત ધાડ પાડુ ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા
-
આસપાસના વિસ્તારમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ધારદાર હથિયારો સાથે ઉતરેલી ગેંગને સમયસર ઝડપી લેવાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ઉતરેલી ગેંગના પાંચ સભ્યોને એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે અનેક ધારદાર હથિયારો સાથે ઝડપી લીધા છે. જેઓ લૂંટ- ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તમામને અટકાયતમાં લઈ લીધા હતા.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ પંથકમાં ચોરી-લૂંટ-ધાડ ના ઇરાદે ઉતરેલી ચોક્કસ ગેંગ કે જે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે ઘૂમી રહી છે, જે બાતમીના આધારે કાલાવડના રણુજા રોડ પર એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે વોચ ગોઠવી હતી. જે દરમિયાન રણુજા રોડ પરથી પાંચ જેટલા શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાયા હતા તેઓને અટકાવીને તલાસી લીધી હતી.
જે તલાસી દરમિયાન તેઓ પાસેથી ધાર દાર હથીયારે એવા લોખંડના પાઇપ, લાકડી, છરી, ગણશીયા, ડીશમિસ, કટર જેવા ધારદાર અને જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. ઉપરાંત ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા અડધા લાખની માલમતા પોલીસ દ્વારા કબજે કરી લેવા આવી હતી.
તેઓના નામ પૂછતા એક શખ્સ નું નામ કમલેશ બદીઆભાઈ પલાસ- આદિવાસી અને મૂળ દાહોદ પંથકનો વતની હોવાનું અને હાલ કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે આવેલા અન્ય ચાર શખ્સો અજય ધીરુભાઈ પલાસ, ગોરધન ધીરુભાઈ પલાસ, પંકજ મથુરભાઈ પલાસ અને રંગીત બાદરભાઈ નીનામા સહિત પાંચ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવા આવી છે, અને તે તમામ સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.