દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૪, ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના પ્રમુખપદે સૌરાષ્ટ્રના જાણિતા અને જામનગરની જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના વડા ડો.વિજય સાતાની સર્વાનુમતે વરણી થઇ છે. પ્રમુખ બનતાની સાથે જ ડો.સાતાએ વર્ષ દરમ્યાન થનારી સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર પણ જાહેર કર્યો છે.ખાસ કરીને ઓર્થોપેડિક તબીબોના વિકાસ માટે ફેલોસીપ યોજનાની પણ તેમણે જાહેરાત કરી છે.ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની એક બેઠક તાજેતરમાં ભાવનગર મુકામે યોજાઇ હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની જાહેરત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના ઓર્થોપેડીક તબીબ આલમના શિરમોર સમાન ડો.વિજય રમેશચંદ્ર સાતાની સર્વાનુમતે વરણી થતાં ઉપસ્થિત તમામ સભ્યોએ તેમને વધાવી લીધા હતા. તેમની સેવાભાવ સાથેની કાર્યપધ્ધતિને લીધે તેમને આ પ્રતિષ્ઠિાભર્યા પદની જવાબદારી નિભાવવાની તક સાંપડી છે. આ પાછળ તેમની વર્ષોની સંનિષ્ઠ સેવાઓ, ઢગલાબંધ ઓપરેશનોની કુશળતા, લગભગ ૨૦૦ થી પણ વધારે ઓર્થોપેડિક સર્જનોને પોતાના હાથ નીચે કુશળ, નિપુણ, નિષ્ણાંત બનાવી ગુજરાતમાં અલગ-અલગ ખૂણે જામનગરની પ્રતિષ્ઠિત શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલની પ્રખ્યાતિ પહોંચાડવાનો લગભગ ૨૫ વર્ષનો આકરો પરિશ્રમ જવાબદાર છે.તેઓએ ન માત્ર જામનગરમાં ટ્રેનીંગ લેતા ઓર્થોપેડિક રેસીડેન્ટ ડોકટર્સ માટે, પરંતુ સમગ્ર ગુજરાતના ટ્રેનીંગબધ્ધ ઓર્થોપેડિક રેસી.ડોકટર્સ માટે જામનગર અને રાજકોટ-ભૂજ જેવી જગ્યાએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર્થોપેડીક કવીઝ, પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષ વગેરેનું સફળ આયોજન અવાર-નવાર કરેલાં છે, અને તેમના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી પદ હેઠળ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે અતિ સફળ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન કોન્ફરન્સ-૨૦૧૭ સમગ્ર ગુજરાતના ઓર્થોપેડિક સર્જન માટેની કોન્ફરન્સનું ભવ્ય આયોજન પાર પાડયું હતું.પોતાના પ્રમુખ તરીકેના વકતવ્યમાં ડો.સાતાએ સમગ્ર વર્ષમાં કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવેલ કે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના બધા પાંચ ઝોનમાં આ વર્ષ દરમ્યાન સતત ઓર્થોપેડીક વિજ્ઞાનને આગળ વધારવા માટે એકેડેમીક કાર્યક્રમો કરવામાં આવશે. જે માટે ખાસ સમર્પિત વિવિધઝોનના ખાસ પસંદ કરેલ ૧૦ ઓર્થોપેડિક સર્જનની ટીમની પણ તેમણે ઘોષણા કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલને લગતા અલગ-અલગ પ્રશ્નો અંગેના પણ ખાસ કાર્યક્રમો બધા ઝોનવાઇઝ કરવામાં આવશે. ઓર્થોપેડિકસ વિષયમાં ગુજરાત અને ગુજરાત બહારના ઓર્થોપેડિક સર્જન દ્વારા જે શ્રેષ્ઠ ઓપરેશનો તથા નવા સંશોધનો કરવામાં આવતાં હોય તેમની માહિતી બધાજ ઓર્થો.સર્જન સુધી પહોંચાડવા માટે ખાસ ૧૦ આવૃતિ ઇ-જર્નલની પ્રકાશિત કરવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ કવીઝ અને લેકચર કોર્ષ તો થશે જ.આ વર્ષે ખાસ જુનિયર તથા મીડ-કેરીયરમાં પહોંચેલા ઓર્થો.સર્જન માટે ખાસ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન ફેલોશીપની શરૂઆત કરવામાં આવશે, કે જેથી ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન દ્વારા પસંદ કરાયેલા સેન્ટર ઓફ એકસેલેન્સ ખાતે આ નવું શીખવાની ધગશ ધરાવતા ઓર્થો સર્જનને ખાસ તાલીમ તથા અનુભવ મળી, રહે જેથી સમગ્ર ગુજરાતને આ જ્ઞાનનો બહોળો લાભ મળી શકે.
આ ઉપરાંત પોતાની સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે સમગ્ર ગુજરાતની વિવિધ શાળા-કોલેજો-વ્યાવસયિક સંગઠનો વગેરે માટે ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન દ્વારા ખાસ હાડકાના આરોગ્ય માટેના ઢગલાબંધ કાર્યક્રમો ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશનના સક્રિય સભ્યો દ્વારા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત એકેડેમીક કાર્યની શુભ શરૂઆત રૂપે મહારાષ્ટ્ર ઓર્થોપેડીક એસોશિએશન દ્વારા મુંબઇ ખાતે યોજાનાર મહારાષ્ટ્ર ઓર્થોપેડિક એસોશિએશનની કોન્ફરન્સમાં સૌ પ્રથમ વખત ગુજરાત ઓર્થો.એસોશિએશનને ભાગીદાર રાજય તરીકે આમંત્રિત કરવામાં આવેલ છે. જેમાં પસંદ કરેલ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશનના મેમ્બર્સ પોતાનું શ્રેષ્ઠ કાર્ય મહારાષ્ટ્ર-મુંબઇના ઓર્થો. સર્જનને બતાવશે. આ માટે ખાસ બે કલાકના એક સેશનનું ડો.સાતા તથા સેક્રેટરી ડો.કેતન ઠક્કર દ્વારા આયોજન થઇ રહયું છે.
વર્ષાંતે ડો.સાતાના માર્ગદર્શનમાં વડોદરા ઓર્થો.સોસાયટી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની વર્ષ ૨૦૨૫માં કોન્ફરન્સનનું પણ આયોજન કરવામાં આવશે, જયાં સમગ્ર વર્ષ દરમ્યાનની એકટીવીટીઝનો ભવ્ય સમાપન સમારોહ યોજાશે. સમગ્ર વર્ષ દરમ્યાન ડો.સાતાની પ્રેસીડેન્ટયલ થીમ ઇનોવેટ, કોરોબોરેટ, ઇન્સ્પાયર, ટ્રાન્સપાયર પર સમગ્ર ગુજરાત ઓર્થો.એસોશિએશન ધબકતું રહે તે માટે સેક્રેટરી ડો.કેતન ઠક્કર, ઇમીડીયેટ પાસ્ટ પ્રેસીડેન્ટ ડો.રાવ, પ્રેસીડેન્ટ ઇલેકટ ડો.દિનેશ ઠક્કર, ટ્રેઝરર ડો.કમલેશ દેવમુરારી, વેબ માસ્ટર સહિતના તમામ એકઝીકયુટીવ કમિટિ મેમ્બર્સ, એકેડેમીક કમિટિ મેમ્બર્સ, ફેમીલી ઇવેન્ટ કમિટિ મેમ્બર્સ, ઇ-જર્નલ એડીટર્સની મજબૂત ટીમ તથા સમગ્ર ગુજરાત ઓર્થો.એસોશિએશનના મેમ્બર્સ ઉત્સાહથી કાર્યરત રહેશે.