દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ નવેમ્બર ૨૩ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા દર વર્ષે વડી કચેરીથી મળેલી સુચના મુજબ સંરક્ષણ દળની ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ લેખિત અને શારીરિક પરીક્ષાની તાલીમ આપવા માટેના નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવ્યા બાદ સંરક્ષણ દળની વિવિધ પ્રકારની કસોટીઓ વિદ્યાર્થીઓએ પાસ કરી હતી. જેમાંથી 7 ઉમેદવારોની સંરક્ષણ દળની વિવિધ જગ્યાઓ પર પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારો હાલમાં વિવિધ જગ્યાએ પોસ્ટીંગ પૂર્વેની તાલીમ લઈ રહ્યા છે, અને આગામી સમયમાં દેશમાં વિવિધ જગ્યાઓ પર તેમની અમૂલ્ય સેવા આપશે.આ 7 ઉમેદવારોમાંથી મયુર ખીમસુરીયા અને સોમત ગમારાની ઈન્ડિયન આર્મીમાં પસંદગી કરવામાં આવી છે. અભિજિતસિંહ જાડેજા સી.આઈ.એસ.એફ. માં, સાગર લાંબરીયા, ચંદ્રવિજયસિંહ જાડેજા અને કર્ણરાજસિંહ જાડેજાની બી.એસ.એફ. માં પસંદગી કરવામાં આવી છે. તમામ પસંદગી પામેલા ઉમેદવારોએ સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. આ તકે, જામનગર મદદનીશ નિયામક (રોજગાર) સુશ્રી સરોજબેન સાંડપા તેમજ સમગ્ર સ્ટાફગણ વતી પસંદગી પામેલા ઉમેદવારોને ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જામનગર જિલ્લાના 17 થી 23 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભવિષ્યમાં આયોજિત થનારા નિવાસી તાલીમ વર્ગમાં જોડાઈને સંરક્ષણ દળમાં તેમનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.