જામનગર તાલુકાના સિક્કામાં રહેતા યુવાનને પોતાના ઘેર માથાનો દુ:ખાવો અને ચક્કર તેમજ આંચકી આવતાં અપમૃત્યુ
- આજથી છ મહિના પહેલાં મારામારીમાં માથામાં હેમરેજ સહિતની ઇજા થયા પછી સતત માથામાં દુ:ખાવો રહેતો હતો
- સિક્કા ગામના રસુલ અજીજભાઈ તથા અજીજ કરીમે માથામાં ધોકા ફ્ટકાર્યા હતા , જે મામલે ફરીયાદ નોંધાવાઈ હતી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફ્રેબ્રુઆરી ૨૪ જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક યુવાનને આજથી છ મહિના પહેલાં મારામારીમાં હેમરેજ સહિતની ઈજા થયા પછી પોતાના ઘેર વારંવાર માથાનો દુ:ખાવો રહેતો હતો, અને ચક્કર અને આંચકી આવતાં મૃત્યુ નીપજયું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતા ધર્મરાજસિંહ નટુભા કંચવા નામના ૩૪ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર માથાનો દુ:ખાવો થયા પછી એકાએક ચક્કર આવવા લાગ્યા હતા, તેમજ આંચકીઓ ઉપડતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.આ બનાવ અંગે મૃતકના સંબંધી ભગીરથસિંહ ભુપતસિંહ કંચવા એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને આજથી છ માસ પહેલાં ગત તારીખ ૪.૮.૨૦૨૩ ના દિવસે મારામારીમાં માથાના ભાગે હેમરેજ સહિતની ઈજા થઈ હતી, અને તેની અવારનવાર સારવાર ચાલતી હતી. દરમિયાન ગઈકાલે બેશુદ્ધ બન્યા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. સિક્કા પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.