જામનગરની વૃધ્ધાના લાખોના દાગીના લઇ ફરાર થયેલ મહિલા રાજસ્થાનમાંથી ઝડપાઇ
- ચાંદી બજાર વિસ્તારમાં બનેલા બનાવમાં મહિલાનો રાજસ્થાન સુધી પીછો કરાયો
- જામનગર ઉપરાંત રાજ્યભરમાં આવા 24 ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત
- સીટી-એ” D” સ્ટાફના યોગેન્દ્રસિંહ સોઢા, મહેન્દ્ર પરમાર તથા વિજય કાનાણીનાએની બાતમી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. 03 એપ્રિલ 23 જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં નેમીનાથ દેરાસર- ઝવેરીનો ઝાંપો વિસ્તારમાં રહેતા રમાબેન રમેશચંદ્ર મહેતા નામના વૃદ્ધ મહિલાને સરકારની વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પચીસ હજાર રૂપિયા ની રોકડ સહાય અપાવી દેવાના બહાને એક મહિલાએ લાલ બંગલા વિસ્તારમાં લઈ ગયા પછી તેણીના 4 લાખ 20 હજારની કિંમતના સોનાના ઘરેણા ઉતરાવી બેન્ક લોકરમાં રાખવાના બહાને લઈ જઈ, રફુ ચક્કર થઈ ગઈ હતી. જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે આણંદ ગામની વતની અને હાલ રાજસ્થાન ભાગી છુટેલી શાહીદાબીબી ઉર્ફે સાહીસ્તાબાનુ, ઉર્ફે મનીષા, ઉર્ફે ચકુ ફિરોઝ ખાન પઠાણ નામની 36 વર્ષની મહિલાની અટકાયત કરી લેવામાં આવી હતી.
ઉપરોક્ત બહુનામધારી મહિલા ની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવતાં તેણી જામનગરની વણિક મહિલાના ઘરેણા લઈને પોતે ભાગી હોવાનું કબૂલી લીધું હતું. પોલીસે તેની પાસેથી રૂપિયા બે લાખની કિંમતના સોનાના દાગીના વગેરે કબજે કરી લીધા હતા, અને તેણીને જામનગર લઈ આવ્યા પછી વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછ દરમિયાન તેણે જામનગરના ગુના ઉપરાંત ગીર સોમનાથ, વેરાવળ, પંચમહાલ, ગોધરા, આણંદ, ભાવનગર, અમદાવાદ, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજપીપળા અને વડોદરા સહિતના વિસ્તારમાંથી આવા જ પ્રકારના 24 જેટલા ગુનાઓને અંજામ આપ્યા ની કબુલાત આપી દીધી છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
ઉપરોક્ત કામગીરી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એમ.બી. ગજજર, પી.એસ.આઈ. ભગીરથસિંહ એસ. વાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.