જામનગર બાર એસો.ના હોદેદારો માટે તા.૧૫ યોજાશે ચૂંટણી : ૧૨૩૭ સભ્યો કરશે મતદાન
- ઉપપ્રમુખ માટે એક પણ ફોર્મન ભરાતા ભરતર્સિંહ જાડેજા તથા સેક્રેટરી મનોજ ઝવેરી બિનહરીફ જાહેર થયા
- કારોબારીમાં દિપક ભાલાળા, હર્ષ પારેખ, જયેશકુમાર સુરડીયા, કલ્પેન રાજાણી, મૃગેન ઠાકર તથા મીતુલ હરવરાને બિનહરીફ જાહેર કરાયા
- પ્રમુખપદે ૯ વખતથી રહેલા ભરતભાઈ સૂવા સાથે અનીલ મહેતા અને નયન મણીયાર વચ્ચે જંગ ખેલાશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ ડીસેમ્બર ૨૩ જામનગરના બાર એસો.ની આગામી તા.૧૫ ના રોજ ચૂંટણી યોજાનાર છે. પ્રમુખ સહિતના પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારીપત્રો રજૂ થઈ રહ્યા છે. શુક્રવારે તેની ચકાસણી પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર થશે. મંડળના ૧૨૩૭ સભ્યો પ્રમુખ સહિતના પદ માટે મતદાન કરશે. વર્તમાન પ્રમુખ નવ વખત પ્રમુખપદે ચૂંટાયા પછી આ વખતે પણ પ્રમુખપદ માટે ફોર્મ રજૂ કરી ચૂક્યા છે.
જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી અને તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવ્યા પછી મંગળવારે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. હાલમાં જામનગરના વકીલમંડળમાં ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે. મતદારયાદી પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ફોર્મ ઇસ્યુ કરવામાં આવતા આજ સુધીમાં કુલ ૨૫ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.
બાર એસોસીયેશન ચૂંટણી પહેલા ઉપપ્રમુખમાં ભરતસિંહ જાડેજા, સેકેટરીમાં મનોજ ઝવરી અને કારોબારી સભ્ય માટે કુલ ૮ ફોર્મ આવેલા તેમાંના ૨ ઉમેદવારી ફોર્મ રદ થતા દિપક ભાલાળા, હર્ષ પારેખ, જયેશકુમાર સુરડીયા, કલ્પેન રાજાણી, મૃગેન ઠાકર તથા મીતુલ હરવરાને ચુટણી કમિશ્નર કે.ડી ચૌહાણ, જોઈન્ટ ચુંટણી કમિશ્નર મીહીર નંદા, બી.ડી ગોસાઇ દ્વારા બિનહરીફ તરીકે સત્તાવાર જાહેર કરવામાં આવી છે.