સોશિયલ મીડિયામાં મહિલાના નામે વરિષ્ઠ નાગરિકોને છેતરતા શખસ પોલીસ પાંજરે પુરાયો
જામનગર સાઈબર ક્રાઇમ સેલે ખંભાળિયાથી પકડાયો
નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને પણ મોબાઈલ ફોન કરી ડરાવી ધમકાવી બ્લેઇકમેલ કરતો હોવાનો પણ ખુલાસો
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જુલાઈ ૨૨ જામનગર: સોશિયલ મીડિયાના માધ્યમથી સિનિયર સિટીઝનો ને ફેસબુક ઉપર હીના પટેલ ના નામથી આઈડી બનાવી તેઓની સાથે મિત્રતા કરી વાતચીત કરવા માટે ઓડીયો કોલ કરીને ત્યારબાદ તેની વાતચીતનો ઓડીયો-વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવી બ્લેકમેલ કરવામાં આવતા હોવાનું જામનગરની સાઇબર ક્રાઈમ ની ટિમ ને ધ્યાનમાં આવ્યું હતું.
જેમાં સિનિયર સિટીઝન સાથે મિત્રતા કેળવ્યા પછી મહિલાના પતિ સાથે છૂટાછેડા લેવા માટે વકીલના ખર્ચ ના પૈસાની માંગણી કરી અને તેનો પણ વિડીયો વાયરલ થશે તેવી ધમકી આપી બ્લેકમેલ કરાતું હતું, સાથોસાથ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને પણ મોબાઈલ ફોન કરી ડરાવી ધમકાવી બ્લેકમેલ કરાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સેલની ટીમ સમક્ષ પહોંચ્યા પછી સોશિયલ મીડિયાના એનાલિસિસ મારફતે તપાસનો દોર ખંભાળિયા સુધી લંબાવવામાં આવ્યો હતો, અને ત્યાંથી એક હોટલના મેનેજર એવા જતીન લાભશંકરભાઈ પંડ્યા કે જે ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહે છે, તેની અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા હતા, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે સમગ્ર પ્રકરણની કબુલાત આપી દીધી હતી.
પોતે જ સ્ત્રી ના વોઇસમાં ફોન કરી ફેસબુક માં પોતે હીના પટેલ છે તેવું જણાવી, મિત્રતા કેળવતો હતો. ત્યાર પછી પોતાના પતિને પૂછા છેડા આપવા માટે વકીલની ફી ના પૈસા માટે દબાણ કરી સિનિયર સિટીઝનને બ્લેકમેલ કરતો હોવાનું કબૂલ્યું હતું. સાથોસાથ જરૂર પડયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે પણ પોતે જ ફોન કરીને ડરાવી ધમકાવી પૈસા માંગતો હતો. જેમાં તેના એક સાગરીતની પણ મદદ લેતો હતો. આખરે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તેની ધરપકડ કરી લીધા પછી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેના એકાગ્રતની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ કામગીરી સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઝા, એ.એસ.આઈ. ડી.જે. ભુસા, એ.એસ.આઈ.સી. કે. રાઠોડ, તેમજ ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેશભાઈ વનાણી, રાજેશભાઈ પરમાર, રંજનાબેન વાઘ, રાહુલભાઈ મકવાણા, વિકીભાઈ ઝાલા, જેસાભાઇ ડાંગર, કલ્પેશભાઈ મૈયડ, પૂજાબેન ધોળકિયા, નીલમબેન સિસોદિયા, ગીતાબેન હિરાણી, તથા અલકાબેન કરમુર દ્વારા કરવામાં આવી હતી.