ભાગવત કથાના યજમાન ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજાનું સ્તુત્ય પગલું
લોકડાયરાના કલાકારો પરની રૂા. 51,00,000 ની ધનવર્ષા સેવા સંસ્થાઓને સમર્પિત કરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર 09.: જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર દ્વારા હાલાર પંથકમાં ઐતિહાસિક કહી શકાય તેવા ભાગવત જ્ઞાનયજ્ઞના ધાર્મિક આયોજન થકી લાખો ભાવિકોએ ધર્મલાભ તો લીધો જ… સાથોસાથ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને રૂ. એકાવન લાખ જેવડી સખાવત અર્પણ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે.
હકુભા જાડેજા પરિવાર દ્વારા જ્યારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તેમજ તે દરમિયાન દરરોજ સાંજે ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું, ત્યારે આ ધાર્મિક કાર્ય તેમના સદગત માતુશ્રીના સ્મરણાર્થે થતું હોય, પોથીપૂજન, આરતી સહિત લોકડાયરામાં કલાકારો પર ધનની ઉછામણી સહિત કોઈપણ પ્રકારની દાન-ભેટ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ રાત્રીના આવા લોકસાહિત્ય અને મનોરંજક કાર્યક્રમોમાં કલાકારો ઉપર ધનવર્ષા કરવામાં આવે તેવી સૌરાષ્ટ્રમાં સર્વત્ર પરંપરા થઈ ગઈ છે. કલાપ્રેમી દર્શકો કે શ્રોતાઓ આવી પળની પ્રતીક્ષા કરતા હોય છે ઉપરાંત તેના કારણે કલાકારોને પણ પોતાની કલા પીરસવામાં ખૂબ પ્રોત્સાહન મળતું રહે છે. આવી દલીલો સાથે લોકડાયરાના કાર્યક્રમમાં ધનવર્ષા કરવાની શોખીનોને છૂટ આપવા સુપ્રસિધ્ધ કલાકાર કિર્તીદાન ગઢવીએ યજમાનને મનાવી લીધા હતા.
કથા સંચાલન સંકલન સમિતિના સભ્ય એવા નગરસેવક મેરામણભાઇ ભાટુએ જણાવ્યું હતું કે, જ્ઞાનયજ્ઞ દરમિયાન રાત્રી કાર્યક્રમના કલાકારો પરની આ સંકલિત ધનવર્ષા રૂપિયા 46 લાખની થવા પામી હતી.
ઉછામણી દ્વારા એકત્રિત કુલ રકમ જ્યારે યજમાન હકુભા જાડેજાને જણાવવામાં આવી, ત્યારે તેઓએ તે ભંડોળમાં પોતાના વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરી એકાવન લાખ (51,00,000/-) ની રાશિ સેવાકાર્ય હિતાર્થે દાનમાં આપવાનો મનોરથ વ્યક્ત કર્યો.
જે પૈકી પોરબંદરના સાંદીપનિ આશ્રમની ગૌશાળામાં રૂ. 11 લાખ, જામનગરના ખીજડા મંદિરની ગૌશાળામાં રૂ. પ લાખ, મોટી હવેલીની ગૌશાળામાં રૂ. 5 લાખ, આણંદાબાવા સેવા સંસ્થાની સ્વાસ્થ્ય સંબંધી સેવાર્થે રૂ. 5 લાખ, કબીર આશ્રમની સ્વાસ્થ્ય સંબંધી સેવામાં રૂ. 5 લાખ, સ્વામીનારાયણ મંદિરની સેવા પ્રવૃત્તિ માટે રૂ. 5 લાખ, બી.એ.પી.એસ. હસ્તકની સંસ્કાર શિક્ષણની પ્રવૃત્તિ માટે રૂ. 5 લાખ, જામનગરના જામ રણજીતસિંહજી વૃધ્ધાશ્રમ માટે રૂ.એક લાખ, એમ.પી. શાહ વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, વસઈ ગામ સ્થિત વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, અલિયાબાડા પાસેના તપોવન વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, અંધાશ્રમ માટે રૂ. એક લાખ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ માટે રૂ. એક લાખ, દિવ્યાંગ બાળકો માટે કાર્યરત નાલંદા વિદ્યા વિહારમાં રૂ. એક લાખ
એમ કુલ એકાવન લાખ રૂપિયાની રકમ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે સેવાકાર્યોમાં ન્યોછાવર કરી હતી.