Home Gujarat Jamnagar જામનગર લાલપુરના ગોવાણા ગામે જીંદગી સામે જંગ જીત્યો ‘રાજ’ : જુવો Live...

જામનગર લાલપુરના ગોવાણા ગામે જીંદગી સામે જંગ જીત્યો ‘રાજ’ : જુવો Live રેસ્ક્યું

0

લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલ માં ફસાયેલો બાળક રાજ આખરે જિંદગીનો જંગ જીતી ગયો

  • ફાયર બ્રિગેડ તથા અન્ય તંત્રની ૯ કલાક ની અથાગ મહેનતને લઈને રેસ્ક્યુ કામગીરી આખરે સફળ પુરવાર થઈ
  • બાળકના પરિવારજનોએ હર્ષના આશું સાથે સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો: તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ફેબ્રુઆરી ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રામદે રણમલ કરંગીયા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નામના પરપ્રાંતીય શ્રમિકનો બે વર્ષ નો પુત્ર રાજ વસાવા, કે જે ખુલ્લા બોરવેલ માં પડી ગયો હતો, જે ૯ કલાકની જહેમત બાદ જિંદગીનો જંગ જીતી ગયો છે, અને ફાયરતંત્ર- પોલીસ તથા અન્ય સર્વેની અથાગ મહેનતને લઈને બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાયો છે, અને બાળકના પરિવારે હર્ષના આંસુ સાથે સર્વે તંત્રનો આભાર માન્યો છે. તેમજ વહીવટી તંત્ર એ પણ ખૂબ જ રાહતનો શ્વાસ લઈ અને સફળ કામગીરી બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તેમજ કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ પણ મદદમાં આવી હતી, જ્યારે લાલપુર પોલીસ વિભાગની ટુકડી લાલપુર મામલતદાર ની ટીમ, ૧૦૮ ની ટિમ તથા આસપાસના અન્ય ખેડૂતો વગેરેએ સંયુક્ત રીતે બાળકને બચાવવા માટે ના અથાગ પ્રયત્નો કર્યા હતા. બાળક બોરવેલ માં ૧૪ ફૂટ સુધી ફસાયો હોવાથી જેસીબી ની મદદ લઈને બોરવેલ ની બાજુમાં જ સૌપ્રથમ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જેસીબી અને બ્રેકરની મદદથી આડું ડ્રીલિંગ કરીને બાળકને હેમ ખેમ જીવિત અવસ્થામાં બહાર ખેંચી લેવાયો હતો. જેને સહી સલામત રીતે બહાર કાઢી લેવાતાં બાળકના માતા-પિતા સહિતના વાલી વગેરેએ હર્ષના આંસુ સાથે બાળકને ગળે લગાવી લીધો હતો, એટલું જ માત્ર નહીં આ સફળ કામગીરી કરનાર સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

ઉપરાંત સમગ્ર તંત્રએ બાળકને હેમ ખેમ બહાર કાઢી લીધું હોવાથી અને ૯ કલાકની રેસક્યૂ કામગીરી આખરે સફળ પુરવાર થઈ હોવાથી સર્વેએ રાહતનો શ્વાસ લીધો છે.બાળકને બોરવેલ માંથી બહાર કાઢી લીધા પછી ૧૦૮ ની ટુકડી સ્થળ પર જ હાજર હતી, જેને બાળકને ઓક્સિજન સહિતની તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી હતી. બાળકને શરીર ના ભાગે માત્ર એક બે સ્થળે સામાન્ય ઉઝરડા પડ્યા હતા.

અન્યથા કોઈ બાહ્ય ઇજા ન હોવાથી બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૪ કલાક માટે ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ- પોલીસ-૧૦૮ વગેરેની ટીમ પરત ફરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version