જામનગરમાં આડા સંબધનો કરુણ અંજામ પ્રેમીકાના હાથે પ્રેમીની હત્યા : પતિ પુત્ર સાથે મળી કાઢ્યું યુવકનું કાસળ .
અનૈતિક સંબંધો ના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવી રહ્યું છે. મૃતક યુવકના પિતાની ફરીયાદના આધારે જામનગરના એક દંપતી અને તેના પુત્ર સહિત પાંચ શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા હત્યારાઓને પકડવા માટે દોડધામ શરૂ કરાઇ છે.
આ હત્યાકેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં લુહારસાર રોડ મઠફળી માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરગોવિંદભાઈ દેવીદાસભાઈ આચાર્ય નામના 81 વર્ષના વિપ્ર બુઝુર્ગે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર મેહુલ (ઉ.વ.45)ની હત્યા નિપજાવવા અંગે જામનગરના ભારતવાસ વિસ્તારમાં રહેતા નરેશ બદીયાણી તથા તેની પત્ની જમના ઉર્ફે જીગ્ના નરેશભાઈ બદીયાણી પુત્ર સુજલ નરેશ બદીયાણી ઉપરાંત સુજલ ના બે મિત્રો રવિ અને પ્રથમ મંગે સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ પછી સીટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યાં ધારદાર હથિયારોના ઘા વાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનું તારણ મળ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક મેહુલ કે જેના અગાઉ લગ્ન થયા હતા, તેની પત્ની સાથે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતી જમના ઉર્ફે જીજ્ઞા સાથે મિત્રાચારી હતી, અને મેહુલ ના ઘરે અવરજવર રહેતી હતી. પરંતુ મેહુલ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જતાં જીજ્ઞા તેના સંપર્કમાં હોવાથી બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા, અને એકબીજા સાથે અવરજવર કરતા હતા.
જે અંગેની જાણકારી બન્નેના પરિવારને થઈ ગયા પછી વિખવાદ શરૂ થયો હતો, અને આખરે મેહુલની હત્યા નિપજાવાઈ છે. જામનગરના સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જે.જલુ દરબારગઢ ચોકીના PSI હરિયાણી સહિતની ટીમ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.