ગણેશોત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર ૯ જુલાઈ ૨૨ ગાંધીનગર: આગામી દિવસોમાં આવનારા ગણેશોત્સવને લઇને ગણેશભકત્તો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે.ગણેશોત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હવે ચોમાસાની સિઝનમાં ઘણાં બધા તહેવારોની હારમાળા સર્જાશે. તેમાં આવતાં ભાદરવા મહિનામાં ગણેશોત્સવ આવશે અને બાપાના ભક્તો બાપાને વાજતે-ગાજતે પધરામણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.31 માર્ચ-2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.