જામનગર પંથકમાંથી પસાર થતા ટેન્કરોમાંથી પેટ્રોલ- ડીઝલ ચોરવાનું કારસ્તાન પકડાયું: 69 લાખની માલમત્તા કબ્જે
- ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના શખ્સ દ્વારા ચલાવતા કૌભાંડમાં બે શખ્સોની અટકાયત
- પેટ્રોલ- ડીઝલ ભરેલા બે ટેન્કર- 8 કેરબા સહિત રૂપિયા 69 લાખની માલમત્તા કબજે:
- જાખર ગામના મૂખ્ય સૂત્રધારની એસ.ઓ.જી. દ્વારા શોધખોળ
- SOG ના PSI જયદિપર્સિહ પરમાર તથા સ્ટાફના વિરેન્દ્રર્સિહ જાડેજા, અનિરૂદ્ધ સિંહ ઝાલા તથા ચંન્દ્રર્સિહની બાતમી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓગસ્ટ ૨૨જામનગરની એસ. ઓ. જી. શાખાની ટીમ દ્વારા ગેસભરેલા ટેન્કરોમાંથી જાહેર જનતાના જીવને જોખમમાં મૂકીને ગેરકાયદે રીતે ગેસની ચોરી પછી હવે પેટ્રોલ- ડીઝલની ચોરી કરવાનું વધુ એક નેટવર્ક પકડી પાડ્યું છે. -જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર જાખર ગામના પાટિયા નજીક લાલપુર તાલુકા ના જાખર ગામના એક શખ્સ દ્વારા ચલાવતા રેકેટનો પર્દાફાશ કરી પેટ્રોલ-ડીઝલ ભરેલા બે ટેન્કરો, આઠ નંગ પેટ્રોલ-ડીઝલના પ્રવાહી ભરેલા બેરલો સહિત રૂપિયા 69 લાખની માલમતા કબજે કરી લઈ બે શખ્સો ની અટકાય કરી છે, ઉપરાંત મુખ્ય સૂત્રધારને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમે તાજેતરમાં ખીજડીયા બાયપાસ નજીકના વિસ્તારમાંથી એલ.પી.જી. ભરેલા ટેન્કરના ડ્રાઇવરો ને ફોડીને તેમાંથી એલ.પી.જી.ની ચોરી કરી લોકોના જીવને જોખમમાં મુકવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું, અને પાંચ શખ્સોની અટકાયત કરી હતી. જે પ્રકરણમાં બે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે, જેને એસ.ઓ.જી. ની ટીમ શોધી રહી છે.
દરમિયાન જામનગર -ખંભાળિયા ધોરી માર્ગ પર લાલપુર તાલુકાના ઝાખર ગામના અજીતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા આવું જ પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે, તેવી બાતમી ના આધારે ગઈકાલે જાખર ગામના પાટીયા નજીક એક પતરાના શેડની બાજુમાં દરોડો પાડ્યો હતો. જે દરોડો દરમિયાન ઉપરોક્ત સ્થળેથી પેટ્રોલ- ડીઝલ ભરેલા જુદાજુદા બે ટેન્કરોને ઉભા રાખીને તેમાંથી ગેરકાયદે રીતે પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું. ઉપરોક્ત સ્થળે થી બે નંગ પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરો ઉપરાંત તેમાંથી ચોરી કરીને પેટ્રોલ- ડીઝલ ભરવામાં આવેલા આઠ નંગ કેરબા તથા તેને લગતી જુદી જુદી સામગ્રી સહિત રૂપિયાના 69’06,432 ની માલમતા કબજે કરી લીધી છે.
આ દરોડા સમયે લાલપુર તાલુકાના મિઠોઈ ગામના અજયસિંહ રાજેન્દ્રસિંહ ભાટી તેમજ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતો કેતન ચંદુભાઈ ચાવડા નામના બે શખ્સો મળી આવ્યા હોવાથી તે બંનેની એસ.ઓ.જી.ની ટિમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ઝાખર ગામનો અજીતસિંહ જાડેજા ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.