સુરતમાં કોરોનાનો સપાટો: આજથી શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ.
સ્કૂલ, કોલેજો અને ક્લાસીસ સુપર સ્પ્રેડર બન્યા, તંત્ર તરફથી સિટી બસ અને બીઆરટીએસના અમુક રૂટ્સ પણ બંધ કરાવા આદેશ કરાયો.
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭ મે ૨૧ સુરતમાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને તંત્ર દ્વારા અનેક આદેશ કરવામાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર બની ગયેલી શાળા, કોલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષક સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે. આથી જ તંત્ર દ્વારા આજથી આ તમામને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પહેલાની જેમ ઑનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે.
શાળા-કોલેજો ઉપરાંત તંત્રએ ગઈકાલે સિટી બસ અને બીઆરટીએસના અમુક રૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી. કાપડ માર્કેટમાં વેપારીઓ અને માર્કેટ વિભાગને પણ વિવિધ આદેશ કરાયા હતા. તેની સાથે સાથે બાગ-બગીચા, સ્વિમિંગ પૂલ અને મનપાનું પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવામાં આવ્યું છે.
તંત્રના આદેશ પ્રમાણે હાલ જે શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે ત્યાં કોરોના ગાઇડલાઇને અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા ચાલુ રાખવા દેવામાં આવશે. બાકી તમામ શાળા, કોલેજ અને ક્લાસીસ ઓનલાઈન ચલાવવા આદેશ કરવામાં આવ્યા છે. સાથે સાથે આજથી કોરોનાને લઇને રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ લગાવવામાં આવશે.