જામનગરમાં ઢીંચડા રોડ પર એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરાયું
-
મનપાના ૩૦ મીટર ના ડીપી રોડ ને નડતર રૂપ સાડા દસ હજાર ચોરસ મીટર જગ્યામાં ઊભું કરાયેલું ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક ધાર્મિક સ્થળને દૂર કરી લઈ મહાનગરપાલિકા હસ્તકની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. જામનગરના જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં ડિમોલેશન કરાયું હતું, અને આશરે સાડા દસ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે હાજર રહ્યા હતા, તેઓની સાથે એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, એલસીબીના પીઆઇ વી એમ લગારીયા અને પીએસઆઇ પી.એન. મોરી ઉપરાંત સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા ઉપરાંત સીટી સી. ડિવિઝન ના પી.આઈ. તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. જે તમામ પોલીસ અધિકારીઓ ના ચુસ્ત બંદોબસ્ત ની વચ્ચે સમગ્ર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા ના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનીલ ભાનુશાલી તથા મહાનગરપાલિકાની અન્ય ટીમ દ્વારા ચાર જેસીબી ની મદદ લઈને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૨૦ શ્રમિકોની મદદ લેવામાં આવી હતી, અને માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળ નું બાંધકામ દૂર કરી નાખી સરકારી જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી હતી, અને નજીકના ભવિષ્યમાં જ આ વિસ્તારમાં નવો ૩૦ મીટરનો ડી.પી. રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવશે.