જામનગરના પંચવટી ગૌશાળામાં કિંમતી જમીન પચાવી પાડનાર બે વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
અનવરભાઇ દાઉદભાઇ સંધાર અને રોશનબેન અનવરભાઇ સંધાર સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયો ગુન્હો દાખલ
એએસપી નીતીશ પાંડેએ વધુ તપાસ હાથ ધરી
જામનગર: ગુજરાત સરકાર દ્વારા જયારથી લેન્ડ ગ્રેબીંગ કરતા અસામાજીક તત્વો વિરૂઘ્ધનો નવો કાયદો લાગુ કર્યો છે ત્યારથી સમગ્ર રાજયમાં આવા જમીનો પચાવી પાડનારાઓ સામે સખતીથી પગલાં લેવાયા છે ખાસ કરીને હાલારમાં આ કાયદો પસાર થયા બાદ અનેક ફરિયાદો દાખલ થઇ છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. દરમ્યાન જામનગરમાં બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની પોલીસ રીપોર્ટમાંથી મળતી વિગત પ્રમાણે, જામનગરના પોષ વિસ્તાર ગણાતા એવા પંચવટી ગૌશાળામાં કીમતી જમીન પર કાચી ઓરડી બનાવી તેના ઉપર કબજો જમાવીને બેઠેલા બે શખસ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગયે પ્રવિણસિંહ બનેસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધી છે કે, જામનગર શહેરના જુના રેવન્યુ સર્વે નં-1/જી/4 પ્લોટ નં-93/1 વાળી સીટી સર્વે નં-2706/1 શીટ નં-112 તથા સતા પ્રકાર સી જેના ચો.મી.181.45 વાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ અવેજ રૂા-39000/-માં જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ અનુ નં-2922 તા:-03/10/1985થી કાંતાબેન અમ્રુતલાલ મહેતા રહે, ભાણવડ વેરાડ નાકા પાસે વાળા પાસેથી રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદેલ હોય જે ખરીદેલ મિલ્કતના ખુલ્લા પ્લોટમા અનવરભાઇ દાઉદભાઇ સંધાર અને રોશનબેન અનવરભાઇ સંધાર (રહે બંન્ને જુમ્મા મસ્જીદની બાજુમા માધાપૂર ભુંગા બેડેશ્ર્વર જામનગર)એ પેશગી કરી મિલ્કત પચાવી પાડવાના ઇરાદે તેમા ફેન્સીંગ કરી અને કોઇપણ જાતની મંજુરી વગર કાચી ઓરડી બનાવીને આ કિંમતી જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લીધેલ છે.
આ કબ્જો ખાલી કરવાનું તેઓને કહેતા કબ્જો ખાલી નહી કરી અને સામે તમને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોતાનો ગેરકાયદેસર અને અનઅધિક્રુત રીતે જમીન પચાવી પાડવા નું કારસ્તાન કરતાં ઉપરોકત્ત બંને શખસ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
આ કેસની વધુ તપાસ એએસપી નીતીશ પાંડેએ વધુ તપાસ હાથ ધરી છે.