કલ્યાણપૂર પંથકમાં મહિલાની ઘાતકી હત્યા: મહિલાનું મૃત્યુ કુદરતી રીતે દર્શાવી તાબડતોબ અંતિમવિધિ કરાઇ
મહિલાના શરીર પર રહેલા ઈજાના નિશાન હોય પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી
મૃતકની પુત્રીએ તેના મોટા બાપુ, કાકા તથા ત્રણ મામાના સામે નોંધાવી ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩ જુલાઈ ૨૨ ખંભાળિયા કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામે રહેતા સુમરીબેન સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયા નામના મહિલા ગત તારીખ 20 મીના રોજ સવારના સમયે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ મૃતકના સંબંધી એવા અને સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયાના પુત્રી કે જેમના લગ્ન પોરબંદર તાલુકાના ખાપટ ગામે થયા હતા, તે ભૂમિબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ મુરુભાઈ ગોરાણીયા (ઉ.વ. 19) ને તેણીના મોટા બા સંતોકબેને ફોન મારફતે કરી તાકીદે ખાપટ ગામેથી ચંદ્રવાડા ગામે બોલાવ્યા હતા.
આ દરમિયાન ભૂમિબેનને મૃતકનો આખું શરીર જોવા દેવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં, તેણીના શરીરના ભાગોમાં ઈજાના નિશાન તથા માથાના ભાગે લોહી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ સ્થળે મૃતકના પથારી કે ગાદલુ-ગોદડા વિગેરે પણ જોવા મળ્યા ન હતા. જેથી આ ચીજ-વસ્તુઓ સગે-વગે કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જોયું હતું. બાદમાં ભૂમિબેનને મૃતક સુમરીબેનના મોઢામાં ગંગાજળ આપી, તાકીદે પોરબંદર ખાતે સુમરીબેનનો મૃતદેહ અગ્નિદા માટે મોકલાવી આપવામાં આવ્યો હતો.
હાર્ટ એટેકની આશંકા દર્શાવી ભૂમિબેનના માતા સુમરીબેનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અંગેની શંકા ભૂમિબેન ગોરાણીયા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં દર્શાવવામાં આવી હતી. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસ મથકના સુમરીબેનનું કુદરતી મૃત્યુ નહીં પણ તેણીની હત્યા કરવામાં આવી હોવા અંગેની ધોરણસર ફરિયાદ ભૂમીબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ ગોરાણીયા દ્વારા નોંધાવવામાં આવી છે. હત્યાના આ બનાવમાં શકદાર તરીકે ભૂમિબેનના મોટા બાપુ એવા ચંદ્રવાડા ગામના રહીશ કાનાભાઈ નાગાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ નાગાભાઈ મોઢવાડિયા તથા ગોરાણા ગામે રહેતા તેણીના મામા અરજણભાઈ જીવણભાઈ ગોરાણીયા, અરશીભાઈ જીવણભાઈ ગોરાણીયા તથા રામદેભાઈ જીવણભાઈ ગોરાણીયા નામના કુલ પાંચ પરિવારજનોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે કાનાભાઈ નાગાભાઈ, બાલુભાઈ નાગાભાઈ, અરજણભાઈ જીવણભાઈ, અરશીભાઈ જીવણભાઈ તથા રામદેભાઈ જીવણભાઈને હત્યાના બનાવમાં શકદાર ગણી, આઈ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે