જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એક યુવાનની તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવાયાનો મામલો સામે આવતા ભારે ચકચાર
- પોલીસે અમૃતક ના ભાઈ ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો અપરાધ નોંઘ્યો: સીસીટીવી કેમેરાની મદદથી તપાસ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ માર્ચ ૨૪ જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાનના માથા પર તિક્ષણ હથીયાર ના ઘા ઝીંકી દઇ હત્યા નો મામલો સામે આવતાં ભારે દોડધામ થઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, અને સીસીટીવી કેમેરા ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોતાની પત્ની સાથે વાંધો પડ્યો હોવાથી ભરણ પોષણનો કેસ પણ ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા પ્રતાપભાઈ બાબુભાઈ મકવાણા નામના ૩૦ વર્ષના યુવાન પર ગઈકાલે સવારે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથીયાર ના ઘા ઝીંકી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસ દ્વારા મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જેમાં તેને તીક્ષણ હથીયાર વડે હુમલો કરાયો હોવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળ્યું હતું.જેથી પોલીસે મૃતકના ભાઈ મનસુખભાઈ મકવાણા ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને આરોપીઓને શોધવા માટે જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનું શરૂ કર્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એક થી વધુ વ્યક્તિઓનું આકારસ્તાન હોવાનું અનુમાન લગાવાયું છે, અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.મૃતક યુવાનને પોતાની પત્ની સાથે વાંધો પડ્યો હોવાથી તેનાથી અલગ રહેતો, હોવાનું અને પોતાના પુત્ર સાથે છેલ્લા ત્રણ મહિનાથી અલગ મકાન ભાડે રાખીને રહેતો હોવાનું અને ભરણ પોષણનો કેસ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે. સીટી બી. ડિવિઝન ના પી.આઈ.એચ.પી.ઝાલા અને તેઓની ટીમ સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે, અને નજીકના ભવિષ્યમાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ જાય તેમ જાણવા મળી રહ્યું છે.