જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ અને બોલેરો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત : ત્રણને ઇજા
-
વહેલી સવારે ટ્રિપલ અકસ્માત ના કારણે ૪૫ મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ જતાં અનેક લોકો અટવાયા: પોલીસની કવાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા.
જામનગર થી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી.ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનું પડીકું વળી ગયું હતું.
વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધા ના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા, અને થોડો સમય માટે દેકરો બોલી ગયો હતો.પરંતુ મોડેથી ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત બનાવી દીધો હતો. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.