જામનગરમાં પાંચ દિવસ પહેલા લાપતા યુવાનનો મૃતદેહ સાંપડ્યો
- જૂની આરટીઓ પાછળ પડ્યો હોવાની અને દુગંધ મારતો હોવાની જાણ થતા મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ ઝાલા દોડી ગયા
- ખીસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ હોવાના કારણે ઓળખ થતી.
- થોડેક નજીક બાઈક તથા સાથે રહેલ થેલીમાં રહેલ વસ્તુ મળી આવી.
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૦ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં રહેતો અને દોરા-બટનનું કામ કરી દુકાને-દુકાને ફેરી કરતો યુવાન પાંચ દિવસથી તેના ઘરેથી ગયા બાદ સોમવારે સાંજે જૂની આરટીઓ ઓફિસ પાસે પાછલા તળાવમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર આવેલી સાધનાકોલોની બ્લોક નંબર એલ-13માં રહેતો અને દોરા-બટનનું કામ કરતો સંજયભાઇ નરેન્દ્રભાઇ વસીયર (ઉ.વ.47) નામનો યુવાન દુકાને-દુકાને ફેરી કરી વેચાણ કરતો હતો. યુવાન છેલ્લા પાંચ દિવસથી તેના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ લાપતા રહેલા યુવાનની પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવાનનો પતો નહીં લાગતા આખરે પોલીસમાં જાણ કરી હતી.
દરમ્યાન સોમવારે સાંજના સમયે જૂની આરટીઓ ઓફિસ પાછળ આવેલા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં એએસઆઇ યુ.પી.પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા મૃતદેહ સંજય વસીયરનો હોવાની તેના ભાઇ પીયુષ વસીયર દ્વારા ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી ક્યા કારણોસર મોત નિપજ્યું તે અંગેની તપાસ હાથ ધરી હતી.