જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં પાર્કિગ વિસ્તારમાં પડેલા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ.
સમસ્યા અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા ટ્રાફીક પી.આઇ.ને રજૂઆત કરતા વેપારીઓ.
ચાંદીબજાર સર્કલમાંથી અનેક વખત રાત્રે 8.00 વાગ્યા પછી પણ વાહનો જપ્ત કરાતા હોવાથી વેપારીઓ અને ગ્રાહકો પરેશાન.
ટોઇંગ એજન્સી દ્વારા દિવસ દરમ્યાન ચાર-પાંચ વખત ચાંદી બજાર સર્કલમાં વાહન જપ્ત કરવા જવું અને અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવાની વાત યોગ્ય જણાતી નહીં હોવાનું વેપારીઓનું નિવેદન
8 રીક્ષાઓના પાર્કિગમાં 10 થી વધારે રીક્ષાઓ ખળકાયેલ હોય છે તેમાં ટ્રાફીક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહીં તથા પાર્કિંગની જગ્યામાં ખાણી પીણી રેકડીઓના ધંધાર્થીઓનો અડીંગો ત્યા કોઈ કાર્યવાહી નહી ફક્ત વેપારીઓને ટાર્ગેટ બનાવાય છે. ટ્રાફિકની બેવડી નીતી સામે વેપારીઓ લાલઘુમ .
દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં પાર્કિગ વિસ્તારમાં પડેલા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહીથી હેરાન-પરેશાન થઇને અહીંના વેપારી ભાઇઓએ જામનગર શહેર ટ્રાફીક પોલીસ અધિકારીને લેખતીમાં રજૂઆત કરી છે અને આ સમસ્યા અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.
આ લેખતીમાં જણાવ્યા મુજબ, ચાંદી બજાર વિસ્તારમાં ‘નો પાર્કિગ’ ઝોનમાં પડેલા વાહનો ને જપ્ત કરવાની ટ્રાફીક પોલીસ દ્વારા દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા ખુબજ સુંદર અને સારી છે. પરંતુ આ વ્યવસ્થામાં અમો વેપારીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય થઇ રહ્યાનું જણાઈ આવે છે.
1) ચાંદી બજાર સર્કલમાં દીવસ ના ચાર થી પાંચ વખત વાહનો ઉપાડવાની ગાડી આવે છે. જયારે આસપાસના વિસ્તારો કે જ્યાં ચાંદી બજારથી પણ વધારે ‘નો પાર્કિગ’ ના વાહનોની સમસ્યા છે, ત્યાંથી વાહનો જપ્ત કરવામાં આવતા નથી.
2) ઘણી વખત રાત્રે 8.00 વાગ્યા પછી પણ વાહનો ચાંદીબજાર સર્કલમાંથી ઉપાડવામાં આવે છે. જે મોટે ભાગે બીજે દિવસે જ છોડાવી શકાય છે. ખરેખર 8:00 વાગ્યા પછી ટ્રાફિક સમસ્યાનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયેલ હોય છે.
3) ચાંદીબજાર સર્કલમાં ટ્રાફિક માટેની જગ્યામાં નાસ્તા/સરબત વાળાની રેકડીઓ ઉભી રહે છે, તેમજ સામેના ભાગે રીક્ષા સ્ટેન્ડ આવેલ છે જ્યાં 8 રીક્ષાઓ માટેનું પાર્કિંગ છે પરંતુ ત્યાં 10 થી વધારે રીક્ષાઓ પાર્ક કરેલ હોય છે જેના પર ટ્રાફિક પોલીસ તરફ થી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
4) શહેરના અમુક વિસ્તારોમાંથી દિવસ દરમ્યાન ચાર-પાંચ વખત વાહન જપ્ત કરવા જવું અને અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવાની વાત યોગ્ય જણાતી નથી,
ઉપરોકત્ત વિષય અને સમસ્યાને ધ્યાન લઇ યોગ્ય પગલાઓ લેવા ધીરેન મોનાણી (પ્રમુખ-સોની સમાજ-) જામનગર પરેશભાઇ વડનગરા, ધર્મેશભાઇ વડનગરા, પરેશભાઇ એચ., નવનીત જ્વેલર્સ, મુરલીધર જ્વેલર્સ, મેહુલ વડનગરા,ધનજીભાઇ લુહાર,ઉત્સવ જ્વેલર્સ, સોની રમણીકલાલ સુંદરજી, અમૃતલાલ રામજી, એમ.જે.જ્વેલર્સ,શ્રી ગીરીરાજ જ્વેલર્સ, રાધાકૃષ્ણ જ્વેલર્સ સહિતના ચાંદી બજાર વિસ્તારના વેપારીઓ દ્વારા ટ્રાફીક પોલીસ અધિકારી-જામનગરને લેખતીમાં રજૂઆત કરી છે.