જામનગરમાં લમ્પી રોગ વિરૂઘ્ધ બેદરકારી દાખવનાર વિવાદીત ડો.ગોધાણીની ધરપકડ કરો: વિક્રમ માડમ
જામનગરમાં લમ્પી વાયરસની વેક્સીનમાં મોટું કૌભાંડની ઓડિયો ક્લિપ મીડિયા સમક્ષ રજૂ કરતા ધારાસભ્ય: તંત્ર હરકતમાં : ગોધાણી થયા ઘરભેગા
જામનગર શહેરમાં 2000 ગાયોના મોત થયા, રસી ન હોવાનું ખુદ તબીબ કબૂલે છે.
ડો. ગોધાણીને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશ કરતા મ્યુનિસિપલ કમિશ્ર્નર
દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૮ જુલાઇ ૨૨ જામનગર સહિત રાજયના અનેક શહેરોમાં પશુઓ માટે ખતરનાક એવા ‘લમ્પી’ વાયરસથી અગણિત ગાયોના જીવ ગયા હોય ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી જામનગરમાં આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુરૂવારે સાંજે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જામનગરમાં ‘લમ્પી’ રોગથી ગાયોને બચાવવા ચાલી રહેલા રસીકરણ અંગે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે જામ્યુકો સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખામાં પશુ ડોકટર તરીકે ફરજ બજાવતાં ડો.એમ.એમ.ગોધાણી 5ર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પોતાની ફરજમાં બેદારકારી અને ગાયોના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી દાખવવા બદલ આ ડોક્ટરની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય માડમે રાજય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, રાજય સરકાર ગાયોમાં ફેલાતા લમ્પી રોગ વિશે ગંભીર બને અને પૂરતી રસીની વ્યવસ્થા કરે.
કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે દાવો કર્યો કે પશુઓને લમ્પી વાયરસની વેક્સીનના બદલે મીઠા વાળું પાણી આપવામાં આવે છે. વિક્રમ માડમે આ દાવો બે સરકારી વેટરનીટી ડોક્ટર વચ્ચેની એક ટેલિફોનિક વાતચીતના આધારે કર્યો છે. આ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ વિક્રમ માડમે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.
આ ઓડિયો ક્લિપમાં જામનગર મહાનગરપાલિકાના પશુતબીબ ડો.એમ.એમ.ગોધાણી અને ડો. સોલંકી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. આ ઓડિયોમાં ડો.એમ.એમ.ગોધાણી કહી રહ્યાં છે કે માણસોને લાગવું જોઈ કે રસીકરણ કરીએ છીએ. નોર્મલ પાણીથી રસીકરણ કરો. વેક્સિનને બદલે સામાન્ય બાટલાનું પાણી આપી દેવા ડોકટર ગોધાણી કહી રહ્યાં છે. એક તરફ પશુઓમાં લમ્પી વાઇરસ નો હાહાકાર છે તો બીજી તરફ જામનગર મનપાના તબીબ ગોધાણી સાદા પાણીના ઇન્જેક્શન આપવા કહે છે વિવાદીત ડો.ગોધાણીને તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટ રદ્દ કરી છુટા કરાતા ખળભળાટ મચી જવા પામેલ હતો