“નકલી પોલીસ વધુ એક કાંડ: પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી કલ્યાણપુરના યુવાન સાથે છેતરપીંડી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૩ જૂન ૨૩ ખંભાળિયા: કલ્યાણપુરના નારણપુર ગામ ખાતે રહેતા સોમાતભાઈ મારખીભાઈ ગોજીયા નામના 36 વર્ષના વેપારી યુવાનને ***** 09742 મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સે ફોન કરી અને તેમને વિશ્વાસમાં લઈ, બોલેરો વાહનના ટાયર મંગાવવાના બહાને ફરિયાદી સોમાતભાઈના એકાઉન્ટમાં રૂપિયા 1.55 લાખ ટ્રાન્સફર કરી અને તેમાંથી રૂપિયા 59,000 તેમને ખોટા કેસમાં ફસાવી દેવા માટે બળજબરીપૂર્વક ધમકી આપી અને અન્ય એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર કરાવી હતી.
એટલું જ નહીં, ફરિયાદીના એકાઉન્ટમાં જમા થયેલી રૂપિયા 1.55 લાખની રકમને પણ આ મોબાઈલ નંબર ધારક શખ્સ દ્વારા પોતાનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવી, છેલ્લું ટ્રાન્ઝેક્શન રદ કરાવીને રૂપિયા 1.55 લાખ પરત મેળવી લેવામાં આવ્યા હતા. ફરિયાદીના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી અને પરત જમા નહીં આપી, વિશ્વાસઘાત કરવા બદલ આ મોબાઈલ નંબરધારક શખ્સે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટે આઉટ પોસ્ટના પી.એસ.આઈ. તરીકેની ખોટી ઓળખ આપી હોવા અંગેની બાબત પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આ મોબાઈલ નંબર ધારક સામે આઈ.પી.સી. કલમ 406, 420, 384, 170 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર સેલ ક્રાઈમ વિભાગના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.